પહેલવાનોને સરકારે ફરીથી વાતચીત માટે આપ્યું આમંત્રણ

  • June 07, 2023 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




ખેલમંત્રી અનુરાગ ઠાકુરે ટ્વીટ કરીને કહ્યું કે સરકાર પહેલવાનો સંલગ્ન તેમના મુદ્દાઓ પર વાતચીત માટે તૈયાર છે.




સરકારે પ્રદર્શનકારી કુશ્તીબાજોને વાતચીત માટે ફરીથી આમંત્રિત કર્યા છે. કેન્દ્રીય ખેલમંત્રી અનુરાગ ઠાકુરે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી. તેમણે પોતાની ટ્વીટમાં કહ્યું કે સરકાર પહેલવાનો સંલગ્ન તેમના મુદ્દાઓ પર વાતચીત માટે તૈયાર છે. મે એકવાર ફરીથી આ અંગે પહેલવાનોને વાતચીત માટે આમંત્રિત કર્યા છે.




કેન્દ્રીય ખેલમંત્રીની આ ટ્વીટ પ્રદર્શનકારી પહેલવાન બજરંગ પુનિયાના એ નિવેદન બાદ આવી જેમાં તેમણે જણાવ્યું હતું કે 3 જૂનના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રદર્શનકારી પહેલવાનો સાથે મુલાકાત કરી હતી. પુનિયાના જણાવ્યાં મુજબ આ બેઠકમાં ગૃહમંત્રીએ પહેલવાનોના મુદ્દાઓને ઉકેલવા માટે આશ્વાસન આપ્યું હતું. આ નિવેદન બાદ તમામ પહેલવાનો 5 જૂનના રોજ રેલવેમાં પોતાની નોકરી પર પાછા ફર્યા હતા.




નોકરી પર પાછા ફરતી વખતે વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયાએ ટ્વીટ કરીને કહ્યું કે, અમારા મેડલને 15-15 રૂપિયાના જણાવનારા લોકો હવે અમારી નોકરી પાછળ પડ્યા છે. જો અમારા આંદોલનના રસ્તામાં નોકરી આવશે તો અમે તેને ત્યાગવામાં 5 મિનિટ પણ નહીં લગાવીએ. અમને નોકરીનો ડર ન દેખાડો. આ અમારા માટે ખુબ નાની વસ્તુ છે.




પુનિયાએ અન્ય એક ટ્વીટમાં એ પણ સ્પષ્ટ કર્યું હતું કે નોકરી પર તેઓ ભલે પાછા ફર્યા પરંતુ તેમનું આ આંદોલન હજૂ પૂરું નથી થયું. તેમણે સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી તેમને ન્યાય ન મળે ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે. તેમણે દેશવાસીઓને કોઈ પણ પ્રકારની અફવાઓથી દૂર રહેવાનું અને મીડિયાને આ મામલે યોગ્ય રિપોર્ટિંગ કરવાની પણ અપીલ કરી.




અત્રે જણાવવાનું કે વિનેશ ફોગાટ, સંગીતા ફોગાટ, સાક્ષી મલિક, બજરંગ પુનિયા અને સત્યેન્દ્ર કાદિયાન ભારતીય કુશ્તી સંઘના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ શારીરિક સતામણીનો આરોપ લગાવીને 30 જાન્યુઆરીના રોજ જંતર મંતર પર ધરણા શરૂ કર્યા હતા. જેના પર કેન્દ્રીય ખેલમંત્રી અનુરાગ ઠાકુર સાથે તેમની વાતચીત થઈ ત્યારબાદ સરકારે એમસી મેરીકોમની અધ્યક્ષતામાં આ મામલે તપાસ માટે કમિટી બનાવવાનો નિર્ણય લીધો.




ત્યારબાદ 23 એપ્રિલથી પહેલવાનો ફરીથી જંતર મંતર પર ધરણા પર બેઠા. પહેલવાનોની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે આ મામલે એફઆઈઆર નોંધવાનો અને પહેલવાનોને સુરક્ષા આપવાનો આદેશ આપ્યો. કોર્ટના આદેશ પર દિલ્હી પોલીસે બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ 2 અલગ અલગ કેસ દાખલ કરીને તપાસ માટે વિશેષ ટીમ બનાવી. પરંતુ આમ છતાં કુશ્તીબાજો માન્યા નહીં અને બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગણી પર અડીખમ રહ્યા. તેમણે પોતાની આ માંગને લઈને 28મી મેના રોજ નવી સંસદ પાસે મહિલા મહાપંચાયત કરવાની પણ કોશિશ કરી હતી. ત્યારબાદ દિલ્હી પોલીસે એક્શન લઈને તેમને જંતર મંતરથી ખદેડ્યા હતા અને સામાન હટાવ્યો હતો.



હાલ દિલ્હી પોલીસની એસઆઈટી આ મામલે અત્યાર સુધીમાં 200 થી વધુ લોકોના નિવેદન લઈ ચૂકી છે. પોલીસ ટીમે યુપીના ગોન્ડા જિલ્લામાં જઈને બ્રિજભૂષણના સહયોગીઓ અને તેમના આવાસ પર કામ કરતા લોકોના નિવેદન લીધા. સરકારનું કહેવું છે કે પોલીસના તપાસ રિપોર્ટની રાહ જુઓ. તપાસમાં જે પણ તથ્ય નિકળીને આવશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ પહેલવાન ધરપકડની વાત પર અડીખમ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application