આ પ્રકારના ફટાકડા પર સુપ્રીમ કોર્ટે લગાવ્યો બેન, ખરીદતા કે વેચતા પણ પકડાશે તો થશે આકરી સજા

  • November 07, 2023 04:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશભરમાં ફટાકડા પર પ્રતિબંધ મૂકવાની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે પ્રદૂષણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું કે, આજકાલ બાળકો નહીં પરંતુ પુખ્ત વયના લોકો ફટાકડા ફોડે છે. એક ગેરસમજ છે કે જ્યારે પર્યાવરણીય બાબતોની વાત આવે છે ત્યારે તે માત્ર કોર્ટની જ જવાબદારી છે. લોકોએ સંવેદનશીલ બનવાની જરૂર છે. તહેવારોની મોસમમાં પ્રદૂષણ પર નિયંત્રણની જરૂર છે. સુપ્રિમ કોર્ટે રાજસ્થાન સરકારને વધતા પ્રદૂષણને રોકવા માટે યોગ્ય પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ગ્રીન ફટાકડાના વેચાણ પરનો તેનો આદેશ સમગ્ર દેશમાં લાગુ રહેશે.


ભારતમાં ફટાકડાના વેચાણ, ખરીદી અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરતી અરજીઓમાં સુપ્રીમ કોર્ટ રાજસ્થાનની અરજી પર સુનાવણી કરી રહી હતી. તેના પર અરજદારે કહ્યું કે આ અરજી રાજસ્થાન રાજ્યને લગતી છે. એવી માન્યતા છે કે કોર્ટનો આદેશ માત્ર દિલ્હી-એનસીઆરને જ લાગુ પડે છે, જો કે તે સમગ્ર દેશમાં લાગુ પડે છે.


રાજસ્થાન પીસીબીના વકીલે કહ્યું કે પ્રદૂષણમાં વધારો થયો છે. દરેક વ્યક્તિએ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તેણે દિવાળી પર ઓછા ફટાકડા ફોડવા જોઈએ. જસ્ટિસ એએસ બોપન્નાએ કહ્યું કે અમે કહીશું કે રાજસ્થાન રાજ્યે અમારા અગાઉના આદેશ પર ધ્યાન આપવું જોઈએ. ખાસ કરીને તહેવારોની મોસમમાં હવા પ્રદૂષણ ઘટાડવા માટે પગલાં લેવા જોઈએ. કોઈ વધારાના આદેશની જરૂર નથી. જસ્ટિસ એમએમ સુંદરેશે કહ્યું કે મુખ્ય વસ્તુ લોકોને સંવેદનશીલ બનાવવાની છે.


આ પહેલા સપ્ટેમ્બરમાં દેશભરમાં ફટાકડા પર પ્રતિબંધના મામલે સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે 2018નો સુપ્રીમ કોર્ટનો નિર્ણય અકબંધ રહેશે. આ અંતર્ગત ફટાકડા પર પ્રતિબંધ ચાલુ રહેશે. દિલ્હી/NCR સિવાય દેશમાં ગ્રીન ફટાકડાને મંજૂરી આપવામાં આવશે. ફટાકડામાં બેરિયમના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે. ફટાકડાની લૂમ, રોકેટ વગેરે ફટાકડા પર પ્રતિબંધ યથાવત રહેશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દેશભરની એજન્સીઓએ સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવું જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application