જામનગર: વેલકમ વોટરપાર્કમાં ડુબી જતા તરૂણનું મોત
બાલાચડી દરીયામાં ન્હાવા ગયેલા યુવાનનો ભોગ લેવાયો
જામનગર નજીક જાંબુડા પાસે આવેલા વેલકમ વોટરપાર્કમાં શનિવારે બપોરે ન્હાવા ગયેલા એક તરૂણનું ડુબી જવાના કારણે મૃત્યુ નિપજતા ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી, ટુંકાગાળામાં જ વોટરપાર્કમાં ડુબી જવાથી બે બાળકોના મૃત્યુ નિપજયાના બનાવ સામે આવતા અરેરાટી ફેલાઇ ગઇ છે, જયારે અન્ય એક બનાવમાં બાલાવડી દરીયામાં ન્હાવા ગયેલા એક યુવાનનું ડુબી જવાથી મૃત્યુ નિપજયુ હતું.
જામનગરના જાંબુડા પાસે આવેલા વેલકમ વોટરપાર્કમાં આરવ સવનકર નામનો ૧૪ વર્ષીય તરૂણ પરિવાર સાથે શનિવારે ન્હાવા માટે ગયો હતો ન્હાતી વેળાએ તે પાણીમાં ડુબી ગયો હતો આથી ૧૦૮ મારફત જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવેલ ત્યાં મૃત્યુ નિપજયાનું જાહેર કરાયુ હતું બનાવની જાણ થતા પંચ-એનો કાફલો ઘટના સ્થળ અને હોસ્પીટલ દોડી ગયો હતો અને આ મામલે તપાસ હાથ ધરી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મૃતકને ખેંચ આવી હતી અને તેની ઉંચાઇ આશરે સાડાચાર ફુટ હતી અને પાણી ૩ ફુટે હતુ દરમ્યાનમાં આ બનાવ બન્યો હતો જે મામલે પણ તપાસ ચલાવવામાં આવી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં હોલીડે વોટરપાર્કમાં ન્હાવા ગયેલા બાળકનું ડુબી જતા મૃત્યુ નિપજયાનો બનાવ તાજો છે ત્યાં વધુ એક કરૂણ ઘટના સામે આવી હતી.
અન્ય એક બનાવમાં જામનગરા વાઘેરવાડામાં રહેતા સલીમ અબ્બાસભાઇ જખરા (ઉ.વ.૪૦) નામનો યુવાન ઘરેથી ફરવા જાઉ છુ તેમ કહીને નીકળ્યો હતો અને બાલાચડી બ્રીજ પાસે દરીયામાં ન્હાવા પડયો હતો અકસ્માતે ગારા-કીચડમાં ફસાઇ જતા પાણીમાં ડુબી ગયો હતો આથી ૧૦૮ને બોલાવવામાં આવી હતી ટુકડી પહોચી હતી અને ફરજ પરના તબીબે તપાસીને મરણગયાનું જણાવ્યુ હતું આ બનાવ અંગે નાસીર જુસબભાઇ જખરા દ્વારા બેડી મરીન પોલીસમાં ગઇકાલે જાણ કરવામાં આવી હતી.