દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્વચ્છતા જાગૃતી રેલી, સામૂહીક શ્રમદાન દ્વારા સ્વચ્છતા સપ્તાહ અભિયાનનો પ્રારંભ
૧૨ વર્ષ વિકાસના, વિશ્વાસના, જનકલ્યાણના
તા. ૯ જૂનના પ્લાસ્ટિક મુક્ત ગ્રામ્ય દિવસની ઉજવણી કરાશે
નાગરિકોના સર્વાંગી સ્વાસ્થ્ય અને સુખાકારી માટે લોકભાગીદારી થકી સ્વચ્છ્તા અભિયાન વધુ સક્રિય, વ્યાપક અને પરિણામલક્ષી બને તે માટે સમગ્ર રાજ્યમાં તા. ૧૪ જૂન સુધી સ્વચ્છતા સપ્તાહ અભિયાન ચલાવાશે. દેવભુમિ દ્વારકા જિલ્લામાં આ અભિયાન અંતર્ગત સ્વચ્છતાને કેન્દ્રમાં રાખીને આજે સ્વચ્છતા જાગૃતી રેલી, સામૂહીક શ્રમદાન દ્વારા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
સ્વચ્છતા સપ્તાહ અભિયાન અંતર્ગત તા.૯ જૂનના પ્લાસ્ટિક સફાઈ ઝુંબેશ દ્વારા પ્લાસ્ટિક મુક્ત ગ્રામ્ય દિવસની ઉજવણી કરાશે. તા.૧૦ જૂનના જળાશયો અને ખુલ્લા પ્લોટની વિશેષ સફાઈ હાથ ધરવામાં આવશે તેમજ હેન્ડપંપ જેવા પાણીના સ્રોત સ્થળો પર પાણી ભરાઈને મચ્છર ઉત્પત્તિ ન થાય તે સુનિશ્ચિત કરવામાં આવશે. તા.૧૧ જૂનના ડ્રેનેજ અને ડ્રીએન ટ્રીટમેન્ટ સીસ્ટમની સફાઈ અંતર્ગત વરસાદી પાણીના નિકાલ માટે ગટરોની સાફસફાઈ કરાશે. તા.૧૨ જૂનના શેરીઓ અને રસ્તાઓની આસપાસ જમા થયેલ કચરાનો નિકાલ કરીને સફાઈ કરવામાં આવશે. તા.૧૩ જૂનના જાહેર સંસ્થાઓ અને ધાર્મિક સ્થળોએ સ્વચ્છ્તા ઝુંબેશ યોજાશે. તા.૧૪ જૂનના દિવસે સ્વચ્છ્તા શપથ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો અંગેના જાગૃતિ કાર્યક્રમો યોજાશે.