મેઘરાજાનું ખંભાળીયામાં ધીમી ધારે આગમન: જીવાતોનો વધ્યો ઉપદ્રવ
ગંદકી, ઉભરાતી ગટરો અને મચ્છર-માખીના ત્રાસથી રોગચાળાનો ભય
ખંભાળિયા શહેરમાં વરસાદના ઝાપટાં વરસતા જ વિવિધ વિસ્તારોમાં ગંદકી અને જીવાતોના ઉપદ્રવમાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં નિયમિત સફાઈના અભાવે કચરો એકઠો થઈ રહ્યો છે, જ્યારે ઘણી જગ્યાએ ગટરો ઉભરાતી હોવાના કારણે અસ્વચ્છતા ફેલાઈ રહી છે.
વરસાદી મોસમ દરમિયાન ગંદકી અને સ્થિર પાણીના કારણે માખી, મચ્છર સહિતના જીવજંતુઓનો ઉપદ્રવ વધતો હોય છે. પરિણામે ડેન્ગ્યુ, મેલેરિયા, વાયરલ તાવ સહિતના ચેપી રોગો ફેલાવાની શક્યતા વધી રહી છે. હાલની પરિસ્થિતિને લઈને સ્થાનિક નાગરિકોમાં ચિંતાની લાગણી પ્રસરી જવા પામી છે.
શહેરના રહેવાસીઓનું કહેવું છે કે જો સમયસર કચરાનું નિકાલ, ગટરોની સફાઈ અને જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં નહીં આવે તો આરોગ્ય સંબંધિત ગંભીર સમસ્યાઓ સર્જાઈ શકે છે. જાહેર આરોગ્યના હિતમાં તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી શહેરભરમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે અને મચ્છરજન્ય રોગોને રોકવા માટે જરૂરી પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.
ખંભાળિયાના નાગરિકોએ સંબંધિત તંત્રને શહેરની સ્વચ્છતા જાળવવા, ગટર વ્યવસ્થા સુધારવા અને નિયમિત જંતુનાશક દવાનો છંટકાવ કરવા માટે ત્વરિત કાર્યવાહી કરવાની અપીલ કરી છે.