ભારત સરકારે દેશને સ્વાસ્થ્ય સંશોધન (હેલ્થ રિસર્ચ) ક્ષેત્રે એક વૈશ્વિક મહાશક્તિ બનાવવાની દિશામાં મક્કમ પગલું ભર્યું છે. વર્ષ ૨૦૪૭ સુધીના લાંબાગાળાના લક્ષ્યાંક સાથે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા એક વિશેષ રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત હવે માત્ર સમસ્યાઓ શોધવા પર જ નહીં, પરંતુ ગંભીર બીમારીઓના સચોટ ઉપચાર અને તેના કાયમી ઉકેલો (સમાધાન) શોધવા પર વિશેષ ભાર મૂકવામાં આવશે. આ ભવ્ય લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આગામી સમયમાં સ્વાસ્થ્ય સંશોધન પાછળ થનારા ખર્ચમાં છ ગણો જંગી વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હાલના સમયમાં ભારત તેના જીડીપીનો માત્ર ૦.૦૨૪ ટકા જેટલો જ અત્યંત ઓછો હિસ્સો હેલ્થ રિસર્ચ પાછળ ખર્ચ કરે છે. નવી નીતિ અનુસાર, વર્ષ ૨૦૪૭ સુધીમાં આ ખર્ચ વધારીને જીડીપીના ૧૫ ટકા સુધી લઈ જવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. વિશ્વના અન્ય અગ્રણી દેશોની સરખામણી કરીએ તો અમેરિકા હેલ્થ રિસર્ચ પાછળ જીડીપીના ૦.૪ ટકાથી વધુ, દક્ષિણ કોરિયા ૦.૩ ટકા અને બ્રિટન ૦.૨ ટકા જેટલો ખર્ચ કરે છે. ભારત સરકારે હવે વિશ્વના ટોચના ત્રણ સ્વાસ્થ્ય સંશોધન કરનારા દેશોની યાદીમાં સામેલ થવાનું લક્ષ્ય નક્કી કર્યું છે, જેથી આ વૈશ્વિક અંતરને ઝડપથી ઘટાડી શકાય.
આ અહેવાલમાં ભારતમાં મેડિકલ સાયન્સ ક્ષેત્રે થઈ રહેલા સંશોધનોની નબળી કડી પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. હાલમાં ભારતમાં દર ૧૦ લાખની વસ્તીએ મેડિકલ સાયન્સમાં પીએચડી કરનારાઓની સંખ્યા માત્ર ૧.૫ જેટલી જ છે, જ્યારે વિકસિત દેશોમાં આ પ્રમાણ દર ૧૦ લાખે ૧૦ થી ૨૫ જેટલું ઊંચું છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય શોધ ડ્રાફ્ટ પોલિસીમાં સ્વીકારવામાં આવ્યું છે કે અત્યાર સુધી ભારતનું સ્વાસ્થ્ય સંશોધન તંત્ર માત્ર ગણતરીની સંસ્થાઓ પૂરતું જ મર્યાદિત રહ્યું છે અને રિસર્ચનો મોટો હિસ્સો માત્ર સમસ્યાઓના દસ્તાવેજીકરણ સુધી જ સીમિત હતો. હવે આ નીતિ બદલાશે અને સંશોધનનું મૂલ્ય માત્ર પ્રકાશિત થનારા શોધપત્રોથી નહીં, પરંતુ તેનાથી સમાજ પર પડનારા સકારાત્મક પ્રભાવના આધારે નક્કી થશે.
દેશના ઇતિહાસમાં પ્રથમ વખત એક સુઆયોજિત 'રાષ્ટ્રીય સ્વાસ્થ્ય અનુસંધાન એજન્ડા' તૈયાર કરવામાં આવી રહ્યો છે, જે આગામી સમયમાં સંશોધનની ચોક્કસ દિશા નક્કી કરશે. આ એજન્ડા હેઠળ નક્કી કરવામાં આવશે કે કઈ બીમારી અને કઈ ટેકનોલોજી પાછળ દેશના સંસાધનોનો ઉપયોગ કરવો. આ એજન્ડામાં ટ્યુબરક્યુલોસિસ (ટીબી), કેન્સર, માનસિક સ્વાસ્થ્ય તેમજ માતૃ અને નવજાત શિશુ સ્વાસ્થ્ય જેવા પરંપરાગત ક્ષેત્રોને તો પ્રાથમિકતા આપવામાં જ આવી છે, પરંતુ તેની સાથે-સાથે આજના સમયના મોટા પડકાર એવા મોટાપો (ઓબેસિટી), આબોહવા પરિવર્તન (ક્લાઇમેટ ચેન્જ) અને સંભવિત મહામારીઓની પૂર્વ તૈયારીઓ જેવા ઉભરતા જોખમોને પણ ખાસ સ્થાન આપવામાં આવ્યું છે.
આધુનિક યુગ સાથે કદમ મિલાવવા માટે ભારતે પ્રથમ વખત હેલ્થ રિસર્ચમાં નૂતન ટેકનોલોજીના ઉપયોગને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. સરકારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ, જીન થેરાપી, ડિજિટલ હેલ્થ અને ડેટા સાયન્સ જેવા આધુનિક વિષયો પર મોટો દાવ ખેલ્યો છે. એઆઈ આધારિત રોગની વહેલી ઓળખ, રોબોટિક સર્જરી અને જીન એડિટિંગ જેવી અદ્યતન તકનીકો ભારતને વૈશ્વિક સ્વાસ્થ્ય ક્ષેત્રે ઘણી આગળ લઈ જઈ શકે છે. અમેરિકા, ચીન અને બ્રિટન જેવા દેશોએ છેલ્લા બે દાયકામાં હેલ્થ રિસર્ચ અને બાયોટેકનોલોજીમાં જે ભારે રોકાણ કરીને લીડ મેળવી છે, ભારતની આ નવી નીતિ તે અંતરને ઝડપથી કાપવાનો અને દેશવાસીઓને શ્રેષ્ઠ તબીબી સુવિધા પૂરી પાડવાનો એક મજબૂત પ્રયાસ છે.