BREAKING NEWS

માત્ર 5000 રૂપિયાની ઉઘરાણીમાં વ્યાજખોરે મહિલાને જીવતી સળગાવી, મોત; ગુજરાતની હૃદયદ્રાવક ઘટના

  • July 14, 2026 12:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના પાટણ શહેરમાંથી વ્યાજખોરીના દૂષણનો એક અત્યંત હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ટાંકવાડા વિસ્તારમાં માત્ર પાંચ હજાર રૂપિયાના વ્યાજની ઉઘરાણી બાબતે એક નિઃસહાય મહિલા પર જ્વલનશીલ પ્રવાહી છાંટી તેને જીવતી સળગાવી દેવાનો ઘાતકી પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે દાઝી ગયેલી આ મહિલાને તુરંત સારવાર અર્થે ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેણે દમ તોડ્યો હતો. આ ચકચારી ઘટનાને પગલે પાટણ સિટી 'એ' ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપી સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.


મળતી વિગતો અનુસાર, પાટણના ખાલકપુરા મિલવાસ વિસ્તારમાં રહેતી અને લોકોના ઘરે કામકાજ કરીને માંડ-માંડ ગુજરાન ચલાવતી પિન્કીબેન ભરતભાઈ પટણીએ પોતાના ઘરખર્ચને પહોંચી વળવા માટે આશરે એક મહિના અગાઉ સ્થાનિક વ્યાજખોર બાબુ રાવળ પાસેથી વ્યાજે પાંચ બજાર રૂપિયા લીધા હતા. બાબુ રાવળ પોતાના નાણાં પરત મેળવવા પિન્કીબેનના ઘરે પહોંચ્યો હતો.


પિન્કીબેને તે સમયે ટાંકવાડા વિસ્તારમાં રહેતા જીતુ પંચાલના ઘરે ગયા હોવાથી બાબુ પણ ત્યાં પાછળ-પાછળ પહોંચી ગયો હતો. મહિલાએ તેની સામે લાચારી વ્યક્ત કરીને થોડા દિવસોમાં પૈસાની સગવડ કરીને ચૂકવી આપવાની વિનંતી કરી હતી. હાલમાં પૈસાની સગવડ નથી તેવું સાંભળતા જ વ્યાજખોર બાબુ રાવળ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો. તે પોતાની સાથે પ્લાસ્ટિકની ડોલમાં લાવેલું જ્વલનશીલ પ્રવાહી પિન્કીબેન પર છાંટી દીધું હતું અને દિવાસળી સળગાવી તેમના પર ફેંકી દીધી હતી. ક્ષણવારમાં જ મહિલા કપડાં સહિત આખા શરીરે ગંભીર રીતે સળગી ઉઠી હતી.


મહિલાની કારમી ચીસો અને બૂમાબૂમ સાંભળીને આજુબાજુના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ પીડિત મહિલાને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે અત્યંત નાજુક હાલતમાં ધારપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જોતાં પાટણ સીટી 'એ' ડિવિઝન પોલીસ તુરંત હોસ્પિટલ પહોંચી હતી અને ગંભીર રીતે દાઝેલી મહિલાનું નિવેદન નોંધી આગળની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી હતી.


શરૂઆતમાં પોલીસે આરોપી બાબુ રાવળ વિરુદ્ધ નાણાંની ધીરધાર અધિનિયમ (મની લેન્ડિંગ એક્ટ) અને જાનથી મારી નાખવાના પ્રયાસ હેઠળ ગુનો નોંધ્યો હતો. જોકે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન પિન્કીબેનનું કરૂણ મોત નીપજતાં પોલીસે બાબુ રાવળ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૨ (હત્યા) હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.    


આ ઘટના માત્ર એક ગુનો નથી પરંતુ એક ગરીબ પરિવારની બરબાદીની અત્યંત કરૂણ દાસ્તાન છે. મૃતક પિન્કીબહેનના પતિનું આશરે છ વર્ષ પહેલાં અવસાન થઈ ચૂક્યું હતું. પતિના અવસાન બાદ તેઓ એકલા હાથે સંઘર્ષ કરીને પોતાના બે માસૂમ સંતાનોનું પેટ ભરતા હતા. પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ હવે ક્રૂર વ્યાજખોરના લીધે સંતાનોએ પોતાની વ્હાલસોયી માતા પણ ગુમાવી દીધી છે, જેથી બંને બાળકો અનાથ બનતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આ અમાનવીય બનાવને પગલે સમગ્ર પાટણ પંથકમાં વ્યાજખોરો સામે ફિટકારની લાગણી અને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News