BREAKING NEWS

જામજોધપુરના નાળિયેરી નેશ ખાતે ભક્તિમય માહોલમાં શ્રીમદ ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિ

  • March 31, 2026 02:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામજોધપુરના નાળિયેરી નેશ ખાતે ભક્તિમય માહોલમાં શ્રીમદ ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિ

સાત દિવસ સુધી ભક્તિ, ભોજન અને ભજનનો ત્રિવેણી સંગમ રચાયો


જામજોધપુર શહેરથી આશરે ૭ કિલોમીટર દૂર આવેલ સુપ્રસિદ્ધ નાળિયેરી નેશ ખાતે આવળ માતાજીના પવિત્ર સાનિધ્યમાં આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની ગતરોજ ભાવભીના માહોલમાં પૂર્ણાહુતિ થઈ હતી. વાલબાઈ માતાજી દ્વારા સર્વ પિતૃઓના મોક્ષાર્થે આયોજિત આ ભવ્ય ધાર્મિક મહોત્સવમાં સાત દિવસ સુધી શ્રદ્ધા અને ભક્તિનો ઘોડાપૂર ઉમટ્યો હતો. ગત તારીખ ૨૪ માર્ચ ૨૦૨૬થી પ્રારંભ થયેલી આ કથામાં વક્તા સ્થાનેથી શાસ્ત્રી ધર્મેન્દ્ર પ્રસાદજીએ પોતાની સુમધુર વાણીમાં શ્રોતાઓને ભાગવત કથાના વિવિધ પ્રસંગોનું રસપાન કરાવી મંત્રમુગ્ધ કર્યા હતા.

આ સપ્તાહ દરમિયાન નાળિયેરી નેશનું વાતાવરણ સંપૂર્ણપણે ભક્તિમય બની ગયું હતું. આયોજકો દ્વારા કથામાં પધારેલા તમામ શ્રદ્ધાળુઓ માટે સવારે નાસ્તો તેમજ બપોરે અને સાંજે શુદ્ધ સાત્વિક મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. માત્ર કથા જ નહીં, પરંતુ દરરોજ રાત્રે લોકસાહિત્ય અને સાંસ્કૃતિક વારસાને જીવંત રાખતા લોકડાયરા અને રાસ-ગરબાના કાર્યક્રમો પણ યોજાયા હતા. જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારોએ પોતાની કલા પીરસી ભક્તોને રાસની રમઝટ બોલાવી હતી. જે ભક્તો પ્રત્યક્ષ હાજર રહી શક્યા ન હતા, તેમના માટે સમગ્ર કાર્યક્રમનું યુટ્યુબના માધ્યમથી લાઈવ પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું, જેનો હજારો ભાવિકોએ ઘરે બેઠા લાભ લીધો હતો.

કથાના વિરામ દિવસે અને પૂર્ણાહુતિ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી પિતૃઓના મોક્ષાર્થે પ્રાર્થના કરી ધર્મલાભ લીધો હતો. આ પ્રસંગે ધ્રોલના પત્રકાર રાજભા જાડેજા સહિત ધ્રોલ અને આસપાસના વિસ્તારના અનેક અગ્રણીઓ અને ભક્તોએ ખાસ ઉપસ્થિત રહી કથા શ્રવણ કર્યું હતું. વાલબાઈ માતાજીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ સપ્તાહમાં જામજોધપુર પંથકના ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી હતી.  અંતિમ દિવસે પૂર્ણાહુતિની આરતી બાદ સર્વે ભક્તોએ ભાવુક હૈયે વિદાય લીધી હતી અને સમગ્ર પંથક ભાગવતજીના નાદથી ગુંજી ઉઠ્યો હતો.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application