શેર માર્કેટ ઓલ ટાઈમ હાઈ, સેન્સેક્સએ વટાવ્યો 70 હજારનો આંકડો  

  • December 11, 2023 12:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં જ નિફ્ટીમાં ૮૮૬.૬૫ પોઈન્ટનો વધારો, રોકાણકારોને મળ્યું ૪.૪૦ % વળતર



આજે સેન્સેક્સ પહેલીવાર ૭૦ હજાર પોઈન્ટને પાર કરી ગયો. આ પહેલા શુક્રવારે નિફ્ટીએ ૨૧ હજાર પોઈન્ટની સપાટી વટાવી હતી. ડિસેમ્બર મહિનામાં સેન્સેક્સમાં ૩૦૦૦ પોઈન્ટથી વધુ એટલે કે ૪.૫ ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. બીજી તરફ નિફ્ટી પણ ૨૧ હજાર પોઈન્ટ સાથે કારોબાર કરી રહ્યો છે. નિષ્ણાતોના મતે, આરબીઆઈએ તેના એમપીસીમાં દેશની આર્થિક વૃદ્ધિ અંદાજિત ૭ ટકા સુધી વધારી છે. બીજી તરફ ફુગાવાના અંદાજમાં કોઈ ફેરફાર થયો નથી. જેના કારણે બજારમાં તેજીનો માહોલ છે. નિષ્ણાતોના મતે આગામી દિવસોમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં વધુ ઉછાળો જોવા મળી શકે છે.


આજે શેરબજારો લીલા નિશાન પર ખુલ્યા હતા અને બોમ્બે સ્ટોક એક્સચેન્જના મુખ્ય સૂચકાંક મુજબ સેન્સેક્સે પ્રથમ વખત હજાર પોઈન્ટની સપાટી વટાવી હતી. ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ ૭૦,૦૪૮.૯૦ પોઈન્ટના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. જો કે, સવારે ૯.૪૦ વાગ્યે સેન્સેક્સ ૧૭૩.૯૩ પોઈન્ટના વધારા સાથે ૬૯,૯૬૪.૩૦ પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો. નિષ્ણાતો મુજબ વર્ષના અંત પહેલા સેન્સેક્સ ૭૧ હજાર પોઈન્ટના સ્તરને પાર કરી જશે.


બીજી તરફ નિફ્ટીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. લગભગ ૧૪ પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે અને તે ૨૦,૯૮૩.૧૫ પોઈન્ટ પર ટ્રેડ થઈ રહ્યો છે. શુક્રવારે નિફ્ટીએ પ્રથમ વખત ૨૧ હજાર પોઈન્ટને પાર કર્યો હતો. જો કે ડિસેમ્બર મહિનામાં નિફ્ટીમાં ૮૮૬.૬૫ પોઈન્ટનો વધારો જોવા મળ્યો છે. ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં જ રોકાણકારોને નિફ્ટીમાંથી ૪.૪૦ ટકા વળતર મળ્યું છે. નિષ્ણાતોના મતે ડિસેમ્બર મહિનામાં નિફ્ટી ૨૧,૧૦૦ પોઈન્ટનું સ્તર પણ પાર કરી શકે છે.


નિફ્ટીમાં કોલ ઈન્ડિયાના શેરમાં ૧.૬૨ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. ઈન્ડસઈન્ડ બેંકના શેર ૧.૫૯ ટકાના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. જ્યારે ઓએનજીસીના શેરમાં ૧.૩૫ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે યુપીએલના શેર ૧.૩૨ ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. કોટક બેંકના શેરમાં એક ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. બીજી તરફ, ડૉ. રેડ્ડીઝના શેર નિફ્ટીમાં લગભગ ૬ ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. જ્યારે એશિયન પેઇન્ટ્સ, સિપ્લા, સન ફાર્મા અને એમ&એમના શેરમાં એક ટકાથી ઓછો ઘટાડો જોવા મળી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application