જામનગર શહેર-જીલ્લામાં ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરતા સાત સપડાયા
ખાખરા રોડ પર કારમાંથી ૧૮૫૦ ચપટા સહિત ૧૮.૨૨ લાખના મુદામાલ સાથે બે ઝબ્બે, છ ફરાર
ધ્રોલના ખાખરા રોડ પર કારને આંતરીને બે શખ્સોને શરાબના ૧૮૫૨ ચપટા મળી કુલ ૧૮.૨૨ લાખના મુદામાલ સાથે પકડી લીધા હતા જેમા અન્ય ૬ ની સંડોવણી ખુલી હતી તેમજ જામનગરમાં આઈટીઆઈ નજીકના વિસ્તારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી થઈ રહી હોય તેવી બાતમીના આધારે પોલીસે ગઈ રાત્રે દરોડો પાડયો હતો, અને બે બાઈક સવારોને પડકર્યા હતા. જે દરમિયાન એક બાઈક સવાર ઇંગ્લિશ દારૂ સાથે પકડાઈ ગયો છે, જ્યારે બીજો આરોપી બાઈક છોડીને ભાગી છુટતાં તેને ફરારી જાહેર કરાયો છે, અને પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરાઈ છે. આ ઉપરાંત શહેરના દિ.પ્લોટ, ભીમવાસ, તળાવની પાળ, સિકકા, અને કાલાવડનાકા બહાર દારુ અંગે દરોડા પાડવામાં આવ્યા હતા.
ધ્રોલના ખાખરાથી જીવાપર રોડ પર સ્થાનીક પોલીસે દરોડો પાડી ફોરચ્યુન કાર નં. જીજે૨૭બીબી-૦૦૦૭ને આંતરી તલાશી લેતા તેમાથી વિદેશી દારૂની ૧૮૫૨ નાની બોટલો, કાર, બે મોબાઇલ મળી કુલ ૧૮.૨૨.૮૦૦ના મુદામાલ સાથે રાજકોટના રીંગ રોડ, ભોમેશ્ર્વર પ્લોટ અને હાલ શ્રી હરી ગાંધીગ્રામ શેરી નં. ૩માં રહેતા ઘનશ્યામગીરી ઉર્ફે ધુળો જગદીશગીરી ગોસાઇ મુળ ખાખરાવાળાને દબોચી લીધો હતો.
તપાસ દરમ્યાન મોરબી રોડ, રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતા પૃથ્વીરાજ શાંતુ ધાંધલને પણ દબોચી લેવાયો હતો જયારે યશપાલસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ રામસિંહ જાડેજા, સિઘ્ધરાજસિંહ વેલુભા જાડેજા, મફતસિંહ ઉર્ફે જયપાલસિંહ બળુભા જાડેજા, અરવિંદસિંહ કિરીટસિંહ જાડેજા તથા શાંતુભા જસુભા જાડેજા રહે. બધા ખાખરા નામના શખ્સો નાશી ગયા હતા, ૮ સામે પ્રોહી મુજબ ફરીયાદ નોંધવામાં આવી છે.
આઇટીઆઇ ગેઇટની બાજુના રોડ પર સીટી-એ પોલીસ દ્વારા રેઇડ દરમિયાન અમિતભાઈ નરશીભાઈ સોલંકી (ઉ.વ. ૪૦), રહે. ખારવા ચકલો, ટીમડા ફળી, જામનગરને ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ ૬ શીલબંધ બોટલ કિંમત ૧૭,૮૦૦ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન મોટરસાયકલ સહિત કુલ રૂ. ૧,૩૭,૮૦૦નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
આ બનાવમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ કુશલભાઈ પ્રકાશભાઈ સોલંકી તથા અન્ય એક મોટરસાયકલ નં. જીજે૧૦ઇબી-૨૭૪૭ના ચાલક સ્થળ પરથી નાસી છૂટ્યા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. આ અંગે સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસને મળેલી માહિતીના આધારે પોલીસ ટીમે ભીમવાસ શેરી નં. ૩માં મકાન પર દરોડો પાડ્યો હતો. પોલીસે રહેણાંક મકાનમાંથી વિવિધ કંપનીઓની કુલ ૭૧ બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ કબજે કર્યો હતો, જેની અંદાજિત કિંમત ૩૫,૫૦૦ ગણાવવામાં આવી છે. આ મામલે મેહમુદ સીદ્દીક દલ તથા ઇકબાલ સીદ્દીક દલ (બન્ને રહે. ભીમવાસ શેરી નં. ૩, જામનગર) સામે પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(એ), ૮૧ અને ૧૧૬(બી) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ બંને આરોપીઓ ફરાર હોવાથી પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે.
આ ઉપરાંત પવનચકકી પાસે રહેતા નિલેશ અમૃતલાલ હંજડાને ૩ બિયરના નંગ સાથે પકડી લીધો હતો, દિ.પ્લોટ ૪૯ રોડ પર રહેતા હિરેન હસમુખ નંદાને શરાબના ૩ ચપટા સાથે દબોચી લીધો હતો, શાસ્ત્રીનગરના દિવ્યરાજસિંહ બળવંતસિંહ જાડેજાને ૫ ચપટા સાથે મટન માર્કેટ રોડ પરથી દબોચી લીધો હતો.
આ ઉપરાંત સિકકા ભગવતી સોસાયટીમાં રહેતા રાહુલ પ્રફુલ મહેતાને ઇંગ્લીશ દારૂની ૪ બોટલ સાથે સિકકા પોલીસે દબોચી લીધો હતો તેમજ બાવરીવાસ ગણપતનગર વિસ્તારમાં રામપ્યારી સોલંકીને ત્યાથી ૫૦ લીટર દેશી દારૂ બનાવવાનો આથો જપ્ત કરાયો હતો.