સોમનાથમાં આજથી સૌરાષ્ટ્ર તમિલ સંગમનો પ્રારંભ: રાજનાથસિંહના હસ્તે ઉદ્ઘાટન

  • April 17, 2023 05:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, તમિલનાડુના રાજ્યપાલ આર.એન.રવી, કેન્દ્રિય મંત્રી માંડવીયા, ગુજરાત સરકારના મંત્રીઓ, ધારાસભ્યો, સંસદ સભ્યો, અધિકારીઓ અને તામિલનાડુના લોકોની વિશાળ હાજરી




"ઉજવણી સદીઓના સંબંધની' શીર્ષક અંતર્ગત આજથી સોમનાથમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમનો પ્રારંભ થયો છે. આગામી તારીખ 30 સુધી તે ચાલશે. આજે સવારે કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહના હસ્તે આ કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.



સોમનાથ મંદિર નજીકના સમુદ્ર દર્શન પથ પાસેના મેદાનમાં આ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, તામિલનાડુના રાજ્યપાલ આર.એન. રવિ, આરોગ્ય વિભાગના કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, પ્રવાસન વિભાગના મંત્રી મુળુભાઈ બેરા, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, જુનાગઢના સંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા, અધિકારીઓમાં રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમાર, પ્રવાસન વિભાગના સચિવ હારિત શુકલા, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશનર હર્ષદકુમાર પટેલ, ટુરિઝમ ડિપાર્ટમેન્ટના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર સૌરભ પારધી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.



તામિલનાડુથી ખાસ વિમાનમાં સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ (મદુરાઈ)ના પ્રતિનિધિઓ ગઈકાલે સાંજે પ્લેનમાં રાજકોટ આવી પહોંચ્યા હતા ત્યારે એરપોર્ટ પર મેયર પ્રદીપભાઈ ડવ સહિતનાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. બીજો એક કાફલો ટ્રેન મારફત આવી પહોંચ્યો હતો અને ગઈકાલે રાજકોટ ખાતે જ્યારે આ ટ્રેન પહોંચી ત્યારે મેયર ઉપરાંત ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી વગેરેએ તેમનું ઢોલ નગારા અને ફૂલહારથી સ્વાગત કર્યું હતું.


તામિલનાડુથી આવેલા આ લોકોને ભાષાના કે તેવા કોઈ પ્રશ્ન ન ઉભા થાય તે માટે દુભાષિયાઓની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તમિલ સંગમ કાર્યક્રમમાં આવેલા મૂળ સૌરાષ્ટ્રના અને હાલ તામિલનાડુમાં સ્થાયી થયેલા લોકોને પોરબંદર દ્વારકા રાજકોટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પણ લઈ જવામાં આવશે.તમિલ સંગમ કાર્યક્રમમાં કલા, સંસ્કૃતિ, યુવા, શિક્ષણ, વાણિજ્ય અને ઉદ્યોગ વગેરેના જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application