રણમલ તળાવના એન્ટ્રી પાસ હવે ઓનલાઇન નીકળશે
જામનગર કોર્પોરેશન દ્વારા જેએમસી કનેકટ નામની એપ્લીકેશન ડાઉનલોડ કરી શકાશે: સીનીયર સીટીઝન માટે પાસની કિંમત રૂ.૧૦૦ રખાઇ: ઇવનીંગ પાસની ફી રૂ૫૦૦
ઓનલાઇન પાસ કેવી રીતે કઢાવવો?
પાસધારકે પ્લેસ્ટોરમાં જઇને જેએમસી કનેકટ એપ ડાઉનલોડ કરવી અને ત્યારબાદ તળાવ એન્ટ્રી પાસ વિકલ્પ પસંદ કરીને ક્રિએટ ન્યુ પાસ વિકલ્પ પસંદ કરવો. રણમલ તળાવ વોકીંગ અને જોગીંગનો સમય પસંદ કરી જરૂરી વિગતો તેમાં સબમીટ કરો. ત્યારબાદ પેમેન્ટ મોડ પસંદ કરીને ઓનલાઇન પેમેન્ટ કરો. અને તમારો બની ગયેલો પાસ ડાઉનલોડ કરીને સેવ કરો. આ પાસની સેવા ૨૪ કલાક ઓનલાઇન કોર્પોરેશન દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી છે. અને એક જ મોબાઇલમાંથી માત્ર બે પાસ ઇસ્યુ કરવામાં આવશે તેમ જણાવાયુ છે.
જામનગર મહાપાલિકા દ્વારા હવે રણમલ તળાવમાં વોકીંગ કરવા જનાર માટે ઓનલાઇન પાસની સુવિધા કરવામાં આવી છે જો કે હજુ તો તા.૧૦ માર્ચના રોજ રૂ. ૪૦ લાખનો સ્ટેશનરી સપ્લાય અને પ્રીન્ટીંગ સપ્લાયનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. નાગરિકો ધરાર ઇ પાસ કઢાવે તેવી વ્યવસ્થા ગોઠવાશે. માત્ર સીનીયર સીટીઝન અને સ્માર્ટ કાર્ડ વગરના લોકોને ઓફલાઇન પાસ કાઢી આપવામાં આવશે તેવુ જાણવા મળે છે. તા.૩૧ના માર્ચના રોજ ચાલુ વર્ષના તમામ પાસની સમય મર્યાદા પુરી થઇ છે ત્યારે આ મર્યાદા તા.૩૦ એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે.
કોર્પોરેશનની યાદીમાં જણાવ્યા અનુસાર રણમલ તળાવમાં સવારે ૭ થી ૯ મોર્નીંગ વોક માટે રૂ.૧૦૦, સીનીયર સીટીઝન માટે સવારે ૯ થી રાત્રે ૧૦ સુધી રૂ. ૧૦૦, ઇવનીંગ પાસના સાંજે ૪ થી ૧૦.૩૦ સુધી રૂ.૫૦૦ ફી રાખવામાં આવી છે. દરેક પાસની સમય મર્યાદા તા.૧-૪-૨૬ થી તા.૩૧-૩-૨૭ સુધી રાખવામાં આવી છે. જો કે મહાપાલિકાના તંત્રે જેમની પાસે સ્માર્ટ ફોન નથી અને ઓનલાઇન પાસ ન કઢાવનારા લોકો માટે ઓફલાઇનની વ્યવસ્થા કરવી જોઇએ. હાલમાં ૩ વર્ષના રૂ.૧૦૦ વાળા પાસની સંખ્યા ૮૩૩૭, સીનીયર સીટીઝનના પાસ ૬૨૨૭, સાંજથી રાત સુધીના વોકીંગ કરવાના પાસની સંખ્યા ૨૭૫૩ છે આમ ૧૭૩૧૭ પાસ હોલ્ડરો છે અને કોર્પોરેશનને દર વર્ષે રૂ. ૧.૫૦ કરોડથી વધુ આવક થાય છે.