દેવભૂમિ દ્વારકા જિલ્લાના ફાર્માસિસ્ટો પડતર માંગણીઓના સંદર્ભે આંદોલનના માર્ગે

  • August 02, 2023 12:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં પંચાયત હસ્તકના ફાર્માસિસ્ટો દ્વારા વેક્સિનની વધારાની કામગીરી બદલ માસિક ભથ્થાની માંગણી તથા તાલુકા અને જિલ્લા કક્ષાએ ફાર્માસિસ્ટનું જરૂરી મહેકમ મંજૂર કરવા અંગે વર્ષોથી અનેક રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં પણ વર્ષો જૂની આ માંગણીઓ સરકાર દ્વારા સ્વીકારવામાં આવી નથી.


ગુજરાત સ્ટેટ પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશન - ગાંધીનગર દ્વારા વિધિવત રીતે આ અંગે આંદોલન હાથ ધરવામાં આવ્યું છે. આ આંદોલનના પગલે ફાર્માસિસ્ટોએ વેક્સિનની કામગીરીની ઓનલાઈન એન્ટ્રી અને તાલુકા તથા જિલ્લા કક્ષાએ ફાર્માસિસ્ટો પાસેથી મહેકમ વગરની લેવામાં આવતી વધારાની કામગીરીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના પંચાયત હસ્તકના ફાર્માસિસ્ટો પણ આ આંદોલનમાં જોડાયા છે. જેના પગલે આરોગ્ય વિભાગમાં દવાઓ અને વેક્સિનેશન સહિતની કામગીરી ખોવાઈ જવાની સંભાવના છે.


કામગીરીના આ બહિષ્કારના પગલે તારીખ ૯ ઓગસ્ટ સુધી ચોક્કસ એપમાં વેક્સિનેશનની એન્ટ્રી અંગેની કામગીરીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. તારીખ ૯ ઓગસ્ટ સુધીમાં સરકાર દ્વારા જો આ બાબતે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ૧૦ ઓગસ્ટથી ફાર્માસિસ્ટને લગતી વિવિધ કામગીરીઓનો બહિષ્કાર કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.


ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ કોરોના કાળમાં રજાના દિવસે પણ કરેલી કામગીરી બદલ ૧૩૦ દિવસના રજા પગાર પણ ચૂકવવામાં ના આવતા ફાર્માસીસ્ટોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application