BREAKING NEWS

રાજકોટ રાતે વીજળીના કડાકા ભડાકાથી ગાજી ઉઠ્યું, સવા ઈંચ વરસાદથી રસ્તાઓ પર ઘુંટણસમા પાણી ભરાયા,

  • July 05, 2026 09:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં લાંબા વિરામ બાદ ગઈકાલે રાત્રે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. લાંબા સમયથી ગરમી અને અસહ્ય ઉકળાટથી તોબા પોકારી ઉઠેલા રાજકોટવાસીઓને રાત્રિ દરમિયાન પડેલા વરસાદથી મોટી રાહત મળી છે. શહેરમાં મોડી રાત્રે ગાજવીજ સાથે શરૂ થયેલા વરસાદને પગલે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. સત્તાવાર આંકડા મુજબ શહેરમાં સરેરાશ ૧.૧૮ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે આજે સવારથી જ હજુ પણ અવિરત ઝરમર વરસાદ ચાલુ રહ્યો છે.


શહેરના ત્રણેય ઝોનની વાત કરીએ તો, મહાનગરપાલિકાના કંટ્રોલરૂમ અનુસાર સૌથી વધુ વરસાદ ઈસ્ટ ઝોનમાં ૩૧ મીમી (સવા ઈંચથી વધુ) નોંધાયો છે. આ ઉપરાંત સેન્ટ્રલ ઝોનમાં ૩૦ મીમી અને વેસ્ટ ઝોનમાં ૨૬ મીમી વરસાદ પડ્યો છે. ટૂંકા ગાળામાં પડેલા આ વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો નદીમાં ફેરવાઈ ગયા હતા. રાત્રિના સમયે અચાનક તૂટી પડેલા વરસાદને કારણે વાહનચાલકો અને રાહદારીઓ અટવાયા હતા.


વરસાદના કારણે શહેરના મોકાજી સર્કલ અને તેની આસપાસના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. જેના લીધે વાહનચાલકો ભારે પરેશાનીમાં મુકાયા હતા અને કેટલાક વાહનો પાણીમાં બંધ પડી ગયા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. તેમજ શહેરના કાલાવડ રોડ, યાજ્ઞીક રોડ, રેસકોર્સ રિંગ રોડ, ઢેબર રોડ સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા હતા.


ઝોન વાઇઝ વરસાદ

ઈસ્ટ ઝોનઃ ૩૧ મીમી

સેન્ટ્રલ ઝોનઃ ૩૦ મીમી

વેસ્ટ ઝોનઃ ૨૬ મીમી

પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓ વચ્ચે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો અને રાજમાર્ગો પર પાણી ભરાઈ જતાં સ્થાનિક તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ છે. જો કે, આ વરસાદના પગલે ખેડૂતોમાં ભારે આનંદની લાગણી જોવા મળી રહી છે અને ડેમોમાં પણ નવા નીરની આવક થવાની આશા બંધાઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ૨૪ કલાક દરમિયાન પણ શહેરમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં ચાલુ રહેવાની સંભાવના છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application