ધ્રોલના હમાપર ગામે આઇ શ્રી મહાકાલી-ખોડીયાર માતાજીનો ભવ્ય નવરંગો માંડવો
ગૌ સેવા-લોકકલ્યાણ અર્થે સમસ્ત ગ્રામજનો દ્વારા હવન-મહાપ્રસાદનું આયોજન
ધ્રોલ તાલુકાના હમાપર ગામે આગામી તા.૨૦ એપ્રિલના રોજ આઇશ્રી મહાકાલી માતાજી તથા ખોડીયાર માતાજીની કૃપાથી ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી મહાકાળી ગૌ સેવા મંડળ તથા સમસ્ત હમાપર ગામ દ્વારા આયોજીત આ ૨૪ કલાકના નવરંગ માંડવા અને હવનમાં મોટી સંખ્યામાં ભાવિકોને જોડાવવા અનુરોધ કરાયો છે.
આ ધાર્મિક ઉત્સવ સવંત ૨૦૮૨ વૈશાખ વદ ૩ ને સોમવાર તા.૨૦-૪-૨૬ના રોજ સવારે ૬.૧૫ કલાકે શાસ્ત્રોકત વિધી સાથે થાંભલી રોપણ કરવામાં આવશે ત્યારબાદ ૯ વાગ્યે યજ્ઞ હવનનો પ્રારંભ થશે તેમજ બપોરે ૧૨.૩૦ કલાકે બીડુ હોમવાની વિધી સાથે ભકિતમય વાતાવરણ સર્જાશે. આ પ્રસંગે બપોરે અને સાંજે તમામ ભકતો માટે મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
માંડવાની વિશેષતા એ છે કે રાજકોટના સુપ્રસિદ્ધ રાવળદેવ મેહુલભાઇ બોડા અને તેમનું સાજીંદા ગ્રુપ માતાજીના ગુણગાન અને ડાકલાની રંગત બોલાવશે. આ કાર્યક્રમમાં પંચના વિવિધ ભુવાઓ, આશિર્વાદ પાઠવવા ઉપસ્થિત રહેશે. સમગ્ર વિધી શાસ્ત્રી પરેશભાઇ નવીનચંદ્ર ઠાકર દ્વારા સંપન્ન કરવામાં આવશે.
મંગળવાર તા.૨૧ એપ્રિલના રોજ સવારે થાંભલી વધાવવાની વિધી સાથે ૨૪ કલાકના ભકિતમય સ્થાનની પુર્ણાહુતિ થશે. હમાપર ગામના સમસ્ત ગ્રામજનો અને ગૌસેવા મંડળ દ્વારા આ દિવ્ય પ્રસંગે સર્વ ધર્મપ્રેમી જનતાને જોડાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.