દેશના સૌથી ધનવાન નાગરિકનો તાજ મુકેશ અંબાણીના સિરે

  • October 11, 2023 04:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બિરલા-બજાજનું જોરદાર કમબેક, દેશના ૧૩૧૯ લોકોની સંપત્તિ ૧૦૦૦ કરોડ રૂપિયાથી વધુ, પાંચ વર્ષમાં ભારતના ધનિકોની સંપત્તિમાં ૭૬ %નો વધારો


હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ ૨૦૨૩ સામે આવતા જ દેશના અમીરોની સંપત્તિનો આંકડો સામે આવ્યો છે. આ વર્ષે દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીને દેશના સૌથી ધનિક વ્યક્તિનો તાજ પહેરાવવામાં આવ્યો છે. તેણે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને પાછળ છોડીને ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. આ યાદીમાં મુકેશ અંબાણી ૮ લાખ કરોડથી વધુની સંપત્તિ સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે હિંડનબર્ગના કારણે ગૌતમ અદાણીની સંપત્તિમાં મોટો ઘટાડો થયો છે.


હુરુન ઈન્ડિયા અને ૩૬૦ વન વેલ્થ દ્વારા સંયુક્ત રીતે બહાર પાડવામાં આવેલી આ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ ૨૦૨૩માં ટોચના અબજોપતિઓની સાથે આ વર્ષે બિલિયોનેર્સની યાદીમાં સામેલ થયેલા નવા ચહેરાઓ પણ જણાવવામાં આવ્યા છે. મુકેશ અંબાણી એન્ડ ફેમિલી આ વર્ષે રૂ. ૮૦૮,૭૦૦ કરોડથી વધુની કુલ નેટવર્થ સાથે પ્રથમ સ્થાને છે. હુરુન અનુસાર, ૬૬ વર્ષીય ભારતીય અબજોપતિ મુકેશ અંબાણીની સંપત્તિમાં ગયા વર્ષની સરખામણીમાં ૨ ટકાનો વધારો થયો છે. જયારે ગૌતમ અદાણી બીજા નંબર પર છે.


હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ ૨૦૨૩ મુજબ, પૂનાવાલા પરિવાર સીરમ ઈન્સ્ટિટ્યૂટના પ્રમોટર છે, જે મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી પછી દેશમાં ત્રીજા સ્થાને છે. તેની કુલ સંપત્તિ ૨૭૮,૫૦૦ કરોડ રૂપિયા છે. એચસીએલના શિવ નાદર અને તેનો પરિવાર ૨૨૮,૯૦૦ કરોડની સંપત્તિ સાથે યાદીમાં ચોથા સ્થાને છે. લંડનમાં રહેતા ગોપીચંદ હિન્દુજાની કુલ સંપત્તિ ૧,૭૬,૫૦૦ કરોડ રૂપિયા છે અને આ હિસાબે તેઓ પાંચમા સૌથી અમીર છે.


રિપોર્ટ અનુસાર, કુમાર મંગલમ બિરલા અને નીરજ બજાજે પુનરાગમન કરીને ટોપ-૧૦માં પોતાનું સ્થાન બનાવ્યું છે, જ્યારે આ વર્ષે ઉદય કોટક અને વિનોદ અદાણી તેમાંથી બહાર થઈ ગયા છે. સન ફાર્માના દિલીપ સંઘવી રૂ. ૧,૬૪,૩૦૦ કરોડની કુલ સંપત્તિ સાથે યાદીમાં છઠ્ઠા સ્થાને છે, જ્યારે સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલ રૂ. ૧,૬૨,૩૦૦ કરોડની અંદાજિત સંપત્તિ સાથે સાતમા સ્થાને છે. ડી-માર્ટના રાધાકિશન દામાણી ૧,૪૩,૯૦૦ કરોડ રૂપિયાની અંદાજિત સંપત્તિ સાથે યાદીમાં આઠમા નંબરના સૌથી ધનિક છે. જ્યારે કેએમ બિરલાની સંપત્તિ ૧,૨૫,૬૦૦ કરોડ રૂપિયા આંકવામાં આવી છે અને તેઓ નવમા સ્થાને છે. નિરજ બજાજ એન્ડ ફેમિલી રૂ. ૧,૨૦,૭૦૦ કરોડની નેટવર્થ સાથે ૧૦મા સ્થાને છે.


સામે આવેલા રીપોર્ટ મુજબ ૧૩૧૯ લોકોની સંપત્તિ ૧૦૦૦ કરોડ રૂપિયાથી વધુ છે. ૨૦૨૩ની યાદી અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં ભારતના સૌથી ધનિકોની સંપત્તિમાં ૭૬ ટકાનો જોરદાર વધારો થયો છે. આ સાથે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે દેશમાં અબજોપતિઓની સંખ્યા વધીને ૨૫૯ થઈ ગઈ છે, જે ગયા વર્ષની સરખામણીમાં ૩૮ વધુ છે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application