જામનગર: વાડીનાર બંદરે અત્યાધુનીક જહાજ સમારકામ કેન્દ્ર માટે ભારત અને યુએઇ વચ્ચે એમઓયુ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઐતિહાસિક યુએઈ પ્રવાસમાં મહત્વના અનેક મોટા કરાર થયા
પ્રોજેકટ સાકાર થતાં વાડીનાર વૈશ્ર્વિક સ્તરે દરિયાઈ લોજિસ્ટિક્સ અને મેન્યુફેક્ચરિંગનું મોટું હબ બનશે
ભારતના વડાપ્રધધાન નરેન્દ્ર મોદીના ઐતિહાસીક યુએઇ પ્રવાસ દરમ્યાન ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનાર બંદરે અત્યાધુનીક જહાજ સમારકામ કેન્દ્ર માટે ભારત અને યુએઇ વચ્ચે એમઓયુ થયા છે. આ પ્રોજેકટ સાકાર થતાં વાડીનાર વૈશ્ર્વિક સ્તરે દરિયાઇ લોજીસ્ટીક અને મેન્યુફેકચરીંગનું મોટું હબ બનશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે સંયુક્ત આરબ અમીરાત (યુએઇ) નો મહત્વપૂર્ણ પ્રવાસ કર્યો હતો. પશ્ર્ચિમ એશિયાના તણાવપૂર્ણ માહોલ વચ્ચે યોજાયેલા આ ટૂંકા પ્રવાસે ભારત અને યુએઈ વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને નવી ઊંચાઈ આપી છે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી અને યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનની હાજરીમાં ઊર્જા સુવિધા, સંરક્ષણ અને માળખાકીય રોકાણ સંબંધિત અનેક મોટા કરારો કરવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને ગુજરાતના વાદીનારને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમજૂતી થઈ છે.
આ પ્રવાસની સૌથી મોટી જાહેરાત ગુજરાતના દરિયાકાંઠાના વિકાસ સાથે જોડાયેલી છે. ભારતના શિપબિલ્ડિંગ ઉદ્યોગને વેગ આપવા માટે ભારત સરકારની મરીન ડેવલપમેન્ટ ફંડ યોજના હેઠળ કોચિન શિપયાર્ડ લિમિટેડ અને દુબઈના ડ્રાયડોક્સ વર્લ્ડ વચ્ચે એક મહત્વના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરાર હેઠળ ગુજરાતના વાડીનાર ખાતે એક અત્યાધુનિક શિપ રિપેર ક્લસ્ટર (જહાજ સમારકામ કેન્દ્ર) ની સ્થાપના કરવામાં આવશે. આ પ્રોજેક્ટથી વાડીનાર વૈશ્ર્વિક સ્તરે દરિયાઈ લોજિસ્ટિક્સ અને મેન્યુફેક્ચરિંગનું મોટું હબ બનશે. આટલું જ નહીં પરંતુ તેનાથી સ્થાનિક સ્તરે રોજગારીની અઢળક તકો ઊભી થશે અને આર્થિક વિકાસ ઝડપી બનશે. આ સાથે જ દરિયાઈ ક્ષેત્રે કૌશલ્ય વિકાસ માટે એક સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપવા માટે ત્રિપક્ષીય સમજૂતી પણ કરવામાં આવી છે જે મેક ઇન ઇન્ડિયા અભિયાનને વધુ મજબૂત બનાવશે.