ખંભાળિયા: કલ્યાણપુરમાં વ્યાજખોરો બેફામ : ૨.૫૦ લાખના ૨૬.૭૮ લાખ પડાવી લીધા
ગઢકાના યુવાન પાસેથી રાક્ષસી વ્યાજ વસૂલ કરવા સબબ પાંચ શખ્સો સામે ફરિયાદ : વધુ ૨૭.૩૦ લાખની માંગણી
કલ્યાણપુર તાલુકાના જામ ગઢકા ગામે રહેતા એક યુવાને જુદા જુદા શખ્સો પાસેથી વ્યાજે લીધેલા અઢી લાખની રકમના બે વર્ષના સમયગાળામાં પાંચ શખ્સોએ ૨૬.૭૮ લાખની તોતિંગ રકમ મેળવ્યા પછી પણ વધુ ૨૭.૩૦ લાખની માંગણી કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આ ચકચારી બનાવની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના ગઢકા ગામે રહેતા અને ખેતીકામ તથા જે.સી.બી. મશીન ચલાવવાનું કામ કરતા દેવજીભાઈ બાબુભાઈ કછેટીયા નામના ૩૫ વર્ષના સતવારા યુવાને વર્ષ ૨૦૨૪ ના સમયગાળા દરમિયાન એક કંપનીમાં પેટા કોન્ટ્રાક્ટનું કામ મેળવેલા ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામે રહેતા વિજયસિંહ સતાજી જાડેજાને કોન્ટ્રાક્ટ મળતા ફરિયાદી દેવજીભાઈ કછેટીયાએ જેસીબી મશીન લઈને ભાડેથી ચલાવવા માટે આપ્યું હતું. પરંતુ કોઈ કારણોસર વિજયસિંહ સતાજી જાડેજાએ દેવજીભાઈને પૈસા ન આપતા જેસીબી મશીનનો દર મહિને આવતો આશરે રૂપિયા ૩૦,૦૦૦ જેટલો લોનનો હપ્તો ચૂકવવા માટે વિજયસિંહએ આ જ ગામના અન્ય એક શખ્સ રણજીતસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાનો સંપર્ક કરાવ્યો હતો. જેની પાસેથી દેવજીભાઈ એ રૂપિયા ૬૦,૦૦૦ની રકમ માસિક ૩૦ ટકાના વ્યાજ દરથી લીધી હતી. સમયસર વ્યાજ ન ચૂકવતા એક દિવસના ૧૦,૦૦૦ ની પેનલ્ટી ભરવા પણ રણજીતસિંહએ જણાવ્યું હતું.
આ પછી અન્ય એક શખ્સ એવા ભાતેલ ગામના વિક્રમસિંહ જાડેજા પાસેથી પણ માસિક ૩૦ ટકા લેખે ૬૦,૦૦૦ ની રકમ અને જો એક દિવસ વ્યાજ મોડું થાય તો ૭,૦૦૦ ની પેનલ્ટીની શરતે લીધા હતા. આ પછી અન્ય એક શખ્સ એવા ભાતેલ ગામના કુલદીપસિંહ કેશુભા જાડેજા પાસેથી ૩૦ ટકા લેખે ૬૦,૦૦૦ અને ત્યાર બાદ જામ ગઢકા ગામના જમન માધા નકુમ પાસેથી ૩૦ ટકાના વ્યાજે રૂ. ૭૦,૦૦૦ લઈ અને આરોપીઓએ કોરા ચેક પર સહી કરાવી લીધી હતી.
આમ, ફરિયાદી દેવજીભાઈએ રણજીતસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા પાસેથી લીધેલા ૬૦,૦૦૦ ના ૬,૨૦,૦૦૦, વિક્રમસિંહ જાડેજા પાસેથી લીધેલા ૬૦,૦૦૦ ના ૯,૫૦,૦૦૦ કુલદીપસિંહ કેશુભા જાડેજા પાસેથી લીધેલા ૬૦,૦૦૦ ના ૧,૮૦,૦૦૦ તથા જમન માધા નકુમ પાસેથી લીધેલા ૭૦,૦૦૦ ના રૂપિયા ૩ લાખ એમ કુલ રૂપિયા અઢી લાખની સામે ૨૦.૫૦ લાખનું વ્યાજ પણ ચૂકવી દીધું હતું. આટલું જ નહીં, મશીન ભાડાના પણ ૬.૨૮ લાખની રકમ તેઓએ પોતાની પાસે રાખી લીધી હતી.
વ્યાજ ચૂકવવા માટે તેમણે તેમની ત્રણ વીઘા ખેતીની જમીન પણ વેચવાની ફરજ પડી હતી. આ ઉપરાંત હંજડાપર ગામે ભાગીદારીની હોટલનો ભાગ પણ ફરિયાદી દેવજીભાઈને છૂટો કરવો પડ્યો હતો. આટલું જ નહીં, હજુ પણ વ્યાજ-મુદલના આરોપી રણજીતસિંહએ ૪.૫૦ લાખ વિક્રમસિંહે ૧૩ લાખ, કુલદીપસિંહે ૫.૩૦ લાખ અને જમનભાઈએ ૪.૫૦ લાખ બાકી હોવાનું કહી રૂપિયાની માંગણી ચાલુ રાખી હતી.
આમ, આશરે બે વર્ષના સમયગાળામાં રૂપિયા અઢી લાખ સામે ૨૬.૭૮ લાખની રોકડ રકમ મેળવી લીધા પછી પણ મુદ્દલ રકમ અને વ્યાજ તથા પેનલ્ટીના રૂપિયા ૨૭.૩૦ લાખની રકમની ગેરકાયદેસર રીતે પઠાણી ઉઘરાણી કરી ફરિયાદી તથા તેમના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની તથા બળજબરીપૂર્વક મોટરાઇઝ્ડ લખાણ અને ચેકોમાં સહી કરાવી લેવા સબબ કલ્યાણપુર પોલીસ મથકમાં તમામ પાંચ શખ્સો સામે બી.એન.એસ. તથા નાણાં ધીરધાર અધિનિયમની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રકરણમાં આગળની તપાસ પી.એસ.આઈ. વી.આર. શુક્લ દ્વારા હાથ ધરવામાં આવી છે.