દ્વારકા તાલુકાનાં લાલશિંગપુરથી બાટીસા ગામ સુધીનો રસ્તો અતિ બિસ્માર
તંત્રની ઘોર બેદરકારી સામે સ્થાનિકોમાં ઉગ્ર રોષ
દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં દ્વારકા તાલુકામાં આવેલા લાલશિંગપુર ગામથી બાટીસા ગામ સુધીનો મુખ્ય રસ્તો લાંબા સમયથી અતિ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. તંત્રની ઘોર બેદરકારીના કારણે આ માર્ગ હવે પખતરાનો રસ્તોથ બની ચૂક્યો છે, જેને લઈને સ્થાનિક ગ્રામજનો અને વાહનચાલકોમાં પ્રચંડ આક્રોશ જોવા મળી રહ્યો છે.
ખાડાઓનું સામ્રાજ્ય અને અકસ્માતનો ભય.. આ રસ્તા પરથી ડામર સંપૂર્ણપણે ઉખડી ગયો છે અને ઠેર-ઠેર મોટા-મોટા ખાડાઓ પડી ગયા છે. રસ્તાની બંને બાજુઓ પણ તૂટી ગઈ હોવાથી વાહનચાલકો માટે અકસ્માતનો સતત ભય તોળાઈ રહ્યો છે. ચોમાસાની ઋતુમાં આ ખાડાઓમાં પાણી ભરાઈ જવાના કારણે રસ્તો સંપૂર્ણ બંધ થઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. મોડી કાર્યવાહી એ મોટી દુર્ઘટનાને ખુલ્લું આમંત્રણ આપી રહી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
તમામ વર્ગો માટે મુશ્કેલીનું કારણ આ બિસ્માર રસ્તાના કારણે રોજબરોજ મુસાફરી કરતા સ્થાનિકો ઉપરાંત શાળા-કોલેજે જતા વિદ્યાર્થીઓ અને ખેતપેદાશો લઈને માર્કેટ યાર્ડ જતા ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સૌથી ગંભીર બાબત એ છે કે, ઈમરજન્સીના સમયે એમ્બ્યુલન્સ કે અન્ય આકસ્મિક સેવાઓની ગાડીઓ સમયસર પહોંચી શકતી નથી, જે દર્દીઓના જીવ સાથે રમત સમાન છે.
પી.જી. પોર્ટલ પર ફરિયાદ અને ઉગ્ર માંગ.. જનતાની ધીરજ હવે ખૂટી છે અને વધુ બેદરકારી સહન કરવામાં નહીં આવે તેવા સૂર સાથે ગ્રામજનો દ્વારા આ ગંભીર સમસ્યા અંગે ઓનલાઈન પી.જી. પોર્ટલ પર પણ ફરિયાદ હેઠળ સત્તાવાર રજૂઆત નોંધાવવામાં આવી છે.
સંબંધિત માર્ગ અને મકાન વિભાગ, દેવભૂમિ દ્વારકા સમક્ષ સ્થાનિકો એક જ માંગ કરી રહ્યા છે કે, જવાબદારી ટાળો નહીં, કામ શરૂ કરો! તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના વિલંબ વિના તાત્કાલિક ધોરણે આ સમગ્ર રસ્તાનું નવેસરથી મજબૂત સમારકામ કરવામાં આવે તેવી ગ્રામજનોની ઉગ્ર માંગ છે.