BREAKING NEWS

રાજકોટ મનપાના અટલ સરોવરની ૧૪ લાખ પ્રવાસીએ કરી સહેલગાહ

  • January 23, 2026 03:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના અટલ સરોવરનું માર્ચ ૨૦૨૪માં લોકાર્પણ કરાયું ત્યારથી આજ દિવસ સુધીમાં ૧૪ લાખ પ્રવાસીઓએ આ સરોવરની સહેલગાહ કરી હોવાની વિગતો જાહેર કરાઇ છે.

કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટની સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં પસંદગી કરવામાં આવ્યા બાદ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની આર્થિક સહાયથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્મિત કંપની રાજકોટ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા ટેન્ડર પ્રસિધ્ધ કરીને કોન્ટ્રાકટર એજન્સી મારફતે અટલ સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ કોન્ટ્રાક્ટર એજન્સીને ૧૫ વર્ષ માટે જાળવણી અને સંચાલન કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.

અટલ સરોવરનું માર્ચ-૨૦૨૪માં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તા.૧ મે ૨૦૨૪ના રોજ ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે આ સરોવર જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આજ દિવસ સુધીમાં ૧૪ લાખથી વધુ લોકો અટલ સરોવરની મુલાકાત લઈ ચૂક્યા છે. અટલ સરોવરની ખાસિયત એ છે કે, તેને આધુનિક મનોરંજન અને સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવ્યું છે.

અટલ સરોવરના મુખ્ય આકર્ષણોમાં બગીચો, ખાસ કરીને બાળ ઉદ્યાન, ફેરિસ વ્હીલ, બોટિંગ સુવિધા અને ટૉય ટ્રેન જેવા આકર્ષણો છે. નાગરિકો માટે ચાલવાનો ટ્રેક, સાઇકલ ટ્રેક અને ૬૦૦ ફોર વ્હીલર અને ૧૦૦૦ ટૂ વ્હીલર માટે સોલર પેનલ યુક્ત પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, બે એમ્ફીથિયેટર, પ્રવેશ પ્લાઝા, પાર્ટી પ્લોટ, ૧૬ દુકાનો ધરાવતું ઓપન ફૂડ કોર્ટ, ૧૨ દુકાનો સાથેનું ક્લોઝ્ડ ફૂડ કોર્ટ અને રાજકોટ મહાનગરપાલિકાની માલિકીના ગ્રામહાટ અંતર્ગત ૪૨ દુકાનો વિકસાવવામાં આવી છે, જે રેવન્યુ સુનિશ્ચિત કરે છે. આ ઉપરાંત, એક વિશાળ ધ્વજસ્તંભ, લાઇટ એન્ડ સાઉન્ડ શૉ અને અન્ય સુવિધાઓએ અટલ સરોવરને રાજકોટ અને સૌરાષ્ટ્રમાં પ્રવાસીઓ માટે આકર્ષણ જમાવ્યું છે.

૭૫ એકરમાં રિડ્યુસ, રિયૂઝ અને રિસાઇકલના સિદ્ધાંતો ઉપર અટલ સરોવરનું નિર્માણ કરાયું છે જેમાં રાજકોટ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ ૯૩૦ એકરના ગ્રીનફિલ્ડ વિસ્તારમાં ત્રણ તળાવોનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ વરસાદી પાણીના સંગ્રહ માટે સ્ટોર્મવૉટર નેટવર્ક દ્વારા જળ સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. તેમાંથી અટલ સરોવર (લેક-૧)ને ૭૫ એકર વિસ્તારમાં રિડ્યુસ, રિયૂઝ અને રિસાઇકલના થ્રી-આર સિદ્ધાંતો ઉપર વિકસિત કરવામાં આવ્યું છે. અટલ સરોવર અંતર્ગત ૨૫ એકરમાં ૪૭૭ મિલિયન લિટર પાણી સંગ્રહ ક્ષમતા ઊભી કરવામાં આવી છે, જ્યારે બાકીના ૫૦ એકરમાં લૅન્ડસ્કેપ (હરિત ક્ષેત્ર), મનોરંજન અને જાહેર સુવિધાઓ છે.

આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂ.૧૩૬ કરોડ છે, જેમાં ૧૫ વર્ષ સુધી સંચાલન અને જાળવણીનો સમાવેશ થાય છે. ચોમાસાની સીઝનમાં સરોવરમાં વરસાદી પાણીનો કુદરતી રીતે સંગ્રહ થાય છે, જ્યારે ઉનાળા દરમિયાન સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ પ્લાન્ટમાંથી રિસાઇકલ પાણી પૂરું પાડવામાં આવે છે. સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં અટલ સરોવર થકી પહેલી વખત કોઈ પ્રોજેક્ટના વિકાસમાં થ્રી આર સિદ્ધાંતોનો અમલ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application