આણંદપરની જમીન પચાવી પાડવા રાજકોટના પરિવાર સામે લેન્ડગ્રેબીંગની ફરીયાદ

  • March 10, 2023 05:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગેરકાયદે દબાણ કરી માલીકને મારી નાખવાની ધમકી દીધી : પોલીસ દ્વારા કરાતી તપાસ

કાલાવડના આણંદપર ગામમાં રાજકોટના વેપારીને ખેતીની જમીન આવેલી હોય જેમાં દબાણ કરી જમીન પચાવી પાડવાનો કારસો રચવામાં આવ્યો હતો, દરમ્યાન સમજાવવા જતા આરોપીઓએ ધમકી આપી હતી, દરમ્યાન આ મામલે પાંચ સામે લેન્ડગ્રેબીંગ એકટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


રાજકોટના કાલાવડ રોડ, કોટેચા ચોક, નાલંદા સોસાયટી શેરી નં. ૪, બંગલા નં. એ/૧૯ ખાતે રહેતા વેપારી અને ખેતીકામ કરતા પાર્થીવકુમાર પ્રવિણચંદ્ર ગણાત્રા (ઉ.વ.૪૬)ની માલીકીની કાલાવડ તાલુકાના આણંદપર ગામે ચાપરાના મારગવાળી સીમમાં નવા રેવન્યુ સર્વે નં. ૯૬૮ હે.આ.ચો. ૧-૨૧-૪૧ના ક્ષેત્રફળની ખેતીની જમીન આવેલી છે.


આરોપીઓએ ફરીયાદીની ખેતીની જમીનના પશ્ર્ચિમ ભાગે ગેરકાયદે દબાણ કરી જમીન પચાવી પાડેલ હોય અને આ બાબતે પાર્થીવભાઇ આરોપીઓને સમજાવવા જતા ગણેશકુમારસિંહ અને રાજદીપસિંહએ ફરીયાદીને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી અને તમામ આરોપીઓએ એકબીજાને મદદગારી કરી હતી.


દરમ્યાનમાં જમીનમાં કબ્જો ચાલુ રાખેલ હોય જેથી ફરીયાદીએ આ બાબતે જામનગર જીલ્લા કલેકટરને સંબોધીને પોતાની જમીન ખાલી કરાવવા અંગે લેન્ડગ્રેબીંગ સમિતી સમક્ષ અરજી કરી હતી, અરજી સબંધે કલેકટર કચેરીના તથા જામનગર પોલીસ અધિક્ષક દ્વારા નિયમોનુસાર કાર્યવાહી સબંધે હુકમ થતા મામલો કાલાવડ ગ્રામ્ય પોલીસમાં પહોચ્યો હતો.


આથી પાર્થીવકુમાર ગણાત્રા દ્વારા ગઇકાલે રાજકોટના પી.ડી. માલવીયા કોમર્સ કોલેજ પાસે, પંચશીલ સોસાયટી શેરી નં. ૮માં રહેતા નારાયણસિંહ ગણેશકુમારસિંહ ઝાલા, ગણેશકુમારસિંહ ઝાલા, ગાયત્રીબા ગણેશકુમારસિંહ ઝાલા, જાનકીબા ગણેશકુમારસિંહ ઝાલા તથા તેના સબંધી કાલાવડ આણંદપરમાં રહેતા રાજદીપસિંહ જે. જાડેજાની વિરુઘ્ધ આઇપીસી કલમ ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનીયમ ૨૦૨૦ની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેની તપાસ ગ્રામ્ય ડીવાયએસપી ડી.પી. વાઘેલા ચલાવી રહયા છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application