BREAKING NEWS

જામનગર​​​​​​​: જોડીયા તાલુકાના લીંબુડા ગામે આગામી તા. ૧૯ અને ૨૦ જૂનના રોજ ‘જન કલ્યાણ શિબિર’ યોજાશે

  • June 13, 2026 10:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર​​​​​​​: જોડીયા તાલુકાના લીંબુડા ગામે આગામી તા. ૧૯ અને ૨૦ જૂનના રોજ ‘જન કલ્યાણ શિબિર’ યોજાશે

લીંબુડા સહિત આજુબાજુના ૧૧ ગામોના નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓનો સ્થળ પર જ લાભ અપાશે

સરકાર દ્વારા પ્રજાભિમુખ શાસનના ભાગરૂપે આગામી તા. ૦૮ જૂન થી ૧૪ જૂન ૨૦૨૬ દરમિયાન સમગ્ર રાજ્યભરમાં “પ્રગતિપથ યાત્રા” તથા “વિકસિત ભારત સંકલ્પ સંમેલન” જેવા જનકલ્યાણલક્ષી કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ દેશવ્યાપી અને રાજ્યવ્યાપી અભિયાનોની સમાંતરે જ જામનગર જિલ્લાના જોડીયા તાલુકા વહીવટી તંત્ર દ્વારા આગામી તા. ૧૨ થી ૨૦ જૂન ૨૦૨૬ દરમિયાન વિશેષ ગ્રામીણ લોકહિતાર્થે ત્રિ-દિવસીય કાર્યક્રમોનું માળખું તૈયાર કરાયું છે. જે અંતર્ગત આગામી તા. ૧૯/૦૬/૨૦૨૬ અને તા. ૨૦/૦૬/૨૦૨૬ ના રોજ જોડીયા તાલુકાના લીંબુડા ગામે આવેલી લીંબુડા પ્રાથમિક શાળા ખાતે ‘જન કલ્યાણ શિબિર’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

આ જન કલ્યાણ શિબિરનો મુખ્ય હેતુ છેવાડાના માનવી સુધી તમામ સરકારી સેવાઓ સરળતાથી પહોંચાડવાનો છે. આ શિબિરમાં કેન્દ્રબિંદુ સમાન લીંબુડા ગામ ઉપરાંત આજુબાજુના અન્ય ગ્રામ્ય વિસ્તારો જેવા કે કુંડ, બાદનપર (જોડીયા), આણંદા, વાવડી, નેસડા, હડીયાણા, બેરાજા, બારાડી, ખીરી અને બાલાચડી સહિત કુલ ૧૧ (અગિયાર) ગામોના લોકોને આવરી લેવામાં આવશે. આ તમામ ગામના લોકોને જન કલ્યાણ શિબિર દરમિયાન સરકારશ્રીના પ્રચલિત ‘સેવાસેતુ’ અંતર્ગત અપાતી વિવિધ સેવાઓ તેમજ સંબંધિત સરકારી કચેરીઓ દ્વારા ચલાવવામાં આવતી લોકકલ્યાણની યોજનાઓની સચોટ માહિતી, માર્ગદર્શન અને જરૂરી મંજૂરીઓ સ્થળ પર જ પૂરી પાડવામાં આવશે.

આ શિબિરમાં સરકારના તમામ વિભાગો એક જ છત્ર નીચે ઉપસ્થિત રહીને અરજીઓનો ત્વરિત સ્વીકાર અને નિકાલ કરશે. જેમાં મુખ્યત્વે નાગરિકો માટે આવકના દાખલા, સિનિયર સિટીઝન પ્રમાણપત્ર, રેશનકાર્ડને લગતી વિવિધ અરજીઓ, [આધારકાર્ડ સંબંધિત અરજીઓ] તેમજ સામાજિક સુરક્ષા હેઠળ મળતી વિધવા સહાય અને વૃદ્ધ નિરાધાર સહાય યોજના હેઠળ લાભ મેળવવા માટેની નવી અરજીઓનો સ્થળ પર જ સ્વીકાર કરાશે. આ ઉપરાંત, ગ્રામજનો માટે નવા વીજળી જોડાણ મેળવવાની અરજીઓ, માં અન્નપૂર્ણા યોજના, માં અમૃતમ યોજના તેમજ વાત્સલ્ય કાર્ડના લાભાર્થીઓની ઓન-ધ-સ્પોટ નોંધણી કરવાની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા આ કેમ્પ દરમિયાન સરકારની અન્ય અગણિત યોજનાઓ વિશે પણ ઉપસ્થિત જનમેદનીને વિસ્તૃત રીતે માહિતગાર કરવામાં આવશે. આથી, લીંબુડા અને તેની આજુબાજુના દર્શાવેલા તમામ ૧૧ ગામોના નાગરિકોને પોતાના વહીવટી કાર્યોના ઘરઆંગણે ઝડપી ઉકેલ માટે તથા વિવિધ સરકારી યોજનાઓનો મહત્તમ લાભ ઉઠાવવા જોડીયા તાલુકા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application