સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬
જામનગર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પી.બી.પંડ્યાએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સાથે બેઠક યોજી
ક્રિએટીવ કન્ટેન્ટ બનાવી ડીજીટલ માધ્યમથી મતદાન જાગૃતિનો સંદેશ ફેલાવીએ : જિલ્લા ચૂંટણી અધિકારી
આગામી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૬ અંતર્ગત જામનગર જિલ્લામાં આગામી તા.૨૬ એપ્રિલે જામનગર મહાનગર પાલિકા, સિક્કા નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો માટેનું મતદાન યોજાનાર છે. જેને લઇને મતદાન જાગૃતિ અભિયાનને વધુ અસરકારક બનાવવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પી.બી.પંડ્યાએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સાથે વિશેષ બેઠક યોજી હતી. ડિજિટલ પ્લેટફોર્મના વધતા પ્રભાવને ધ્યાનમાં રાખીને યુવાનો તેમજ શહેરી મતદારો સુધી સરળતાથી પહોંચવા માટે ડીજીટલ માધ્યમથી મતદાન જાગૃતિનો સંદેશ ફેલાવવા ચૂંટણી અધિકારીશ્રીએ જણાવ્યું હતું.
બેઠક દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ ઇન્ફ્લુએન્સર્સને અપીલ કરી હતી કે, તેઓ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા મતદાન અંગે સકારાત્મક અને પ્રેરણાત્મક સંદેશો પ્રસારિત કરે. ખાસ કરીને મહિલાઓ, પ્રથમવાર મતદાન કરનાર યુવાનોમાં જાગૃતિ વધારવા, મતદાન પ્રત્યે લોકોમાં ઉત્સાહ જાગૃત કરવા અને મતદાનના મહત્વ વિશે માહિતગાર કરવા જણાવ્યું હતું.
ઇન્ફ્લુએન્સર્સને ટૂંકા વીડિયો, રીલ્સ, પોસ્ટ્સ અને સ્ટોરીઝ મારફતે મતદાન કરવા અંગેના મહત્વના વિડીઓ પોસ્ટ કરી વ્યાપક સ્તર સુધી પહોચે તે પ્રકારે કામગીરી કરવા જણાવ્યું હતું. સાથે જ મતદાન દિવસ અંગે માહિતી, મતદાન કેન્દ્રોની વિગતો અને મતદારો માટેની માર્ગદર્શિકા સરળ ભાષામાં રજૂ કરવા પણ સૂચન કર્યું હતું.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે આજના યુગમાં સોશિયલ મીડિયા લોકો સુધી ઝડપથી અને અસરકારક રીતે પહોંચવાનું શક્તિશાળી માધ્યમ છે, અને તેના સકારાત્મક ઉપયોગથી મતદાન ટકાવારીમાં નોંધપાત્ર વધારો શક્ય છે. બેઠકમાં હાજર ઇન્ફ્લુએન્સર્સે ચૂંટણી તંત્રને પૂર્ણ સહકાર આપવાની ખાતરી વ્યક્ત કરી હતી અને મતદાન જાગૃતિ માટે સક્રિય રીતે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
ઉલ્લેખીય છે કે, જિલ્લા તંત્ર દ્વારા સ્વીપ (SVEEP) એક્ટીવિટી અંતર્ગત વિવિધ નવીન ઉપાયો દ્વારા મતદાન જાગૃતિ અભિયાનને વધુ વ્યાપક બનાવવાની દિશામાં પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.