BREAKING NEWS

ગુજરાત સરકારનું 'મિશન કરકસર': સરકારી બાબુઓના વિદેશ પ્રવાસ પર બ્રેક! વર્ચ્યુઅલ મીટિંગ અને પબ્લિક ટ્રાન્સપોર્ટ, જાણો નવી ગાઈડલાઈન

  • May 15, 2026 05:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને કરવામાં આવેલી કરકસર અને સંસાધનોના વિવેકપૂર્ણ ઉપયોગની અપીલને ધ્યાને રાખીને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર દ્વારા અનેક મહત્વપૂર્ણ પગલાઓની જાહેરાત કરવામાં આવી છે. 

આજે મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠક બાદ પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ આ સૂચિત પગલાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી. જે પગલાઓ નીચે મુજબ છે


સરકારી કામકાજ માટે પ્રવાસનું આયોજન માત્ર જરૂરિયાત મુજબ જ કરવાનું રહેશે.

અધિકારીઓએ પ્રત્યક્ષ પ્રવાસ ટાળીને વીડિયો કોન્ફરન્સિંગ, ટેલિફોન અને ઈ-મેઈલ જેવા આધુનિક માધ્યમોનો મહત્તમ ઉપયોગ કરવાનો રહેશે.

અત્યંત જરૂરી હોય તે સિવાય ક્ષેત્રીય અધિકારીઓને મીટિંગ માટે બોલાવવાના બદલે વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા બેઠક યોજવાની રહેશે.

અન્ય રાજ્યો કે કેન્દ્ર સરકારની બેઠકોમાં પણ શક્ય હોય ત્યાં સુધી ઓનલાઈન માધ્યમથી જોડાવા તાકીદ કરવામાં આવી છે.  

અનિવાર્ય સંજોગો સિવાય કોઈપણ પ્રકારના વિદેશ પ્રવાસ કે વિદેશમાં યોજાતી તાલીમ, પરિસંવાદો અને પરિષદોમાં ભાગ લેવાનું ટાળવાનું રહેશે.  

જો રાજ્ય બહારનો પ્રવાસ અનિવાર્ય હોય, તો ઉચ્ચ અધિકારીઓએ જરૂરી ન હોય તેવા સ્ટાફને સાથે ન રાખવા સૂચના અપાઈ છે.

શક્ય હોય ત્યાં સુધી સરકારી કામકાજ અર્થે જિલ્લા બહાર મુસાફરી ટાળવી અને આમ છતાં સરકારી કામકાજ અર્થે જિલ્લા બહાર મુસાફરી જરૂરી બને તો મુસાફરી કરતા પૂર્વે તેમના નિયંત્રણ અધિકારીને જાણ કરવી.

સરકારી અધિકારી/કર્મચારીઓના પ્રવાસો ઉપર યોગ્ય નિયંત્રણો રાખવા ઉપરાંત, દરેક વહીવટી વિભાગ અને તેની હેઠળનાં તંત્રોમાં ઉપલબ્ધ સરકારી વાહનોની સમીક્ષા કરીને વધારાનાં વાહનો બિનવપરાશમાં મૂકવાના રહેશે. 

જો કોઈ અધિકારી એકથી વધુ હવાલો સંભાળતા હોય, તો તેમણે એક મુખ્ય વાહન સિવાયના તમામ વધારાના વાહનો 'સરકારી વાહન પુલ'માં જમા કરાવવાના રહેશે.  

જે અધિકારીઓ પાસે સરકારી વાહનના વિકલ્પ તરીકે ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) ઉપલબ્ધ હોય, તેમણે EV અથવા હાઈબ્રિડ વાહનનો જ ઉપયોગ કરવાનો રહેશે.  

અધિકારીઓ અને કર્મચારીઓને પર્યાવરણની જાળવણી માટે ખાનગી વાહનોને બદલે મેટ્રો, એસ.ટી. બસ અને રેલવે જેવી જાહેર પરિવહન સેવાઓ વાપરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.  

જાહેર સુવિધા માટે મેટ્રોનો સમય રાત્રે ૧૧.૦૦ વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો છે.  

તમામ સરકારી સંસ્થાઓમાં સ્વદેશી ચીજવસ્તુઓ, સ્થાનિક ઉત્પાદનો અને MSMEsને અગ્રતા આપવા માટે પ્રોક્યોરમેન્ટ પૉલિસિ મજબૂત કરાશે.  

સરકારના વિવિધ કાર્યક્રમો સાદગીપૂર્વક યોજવા અને લોકાર્પણના કાર્યક્રમોમાં 'વર્ચુઅલ પદ્ધતિ'નો આગ્રહ રાખવા સૂચના અપાઈ છે.  

આગામી ૬ મહિનામાં તમામ સરકારી કેન્ટીનોમાં પાઈપ્ડ ગેસ કનેક્ટિવિટી (PNG) ફરજિયાત બનાવવામાં આવશે.  

 બિનજરૂરી સંગ્રહખોરી અને ગભરાટમાં આવીને કરવામાં આવતી ખરીદી રોકવા માટે જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે.  

પ્રવક્તા મંત્રીશ્રીએ રાજ્યના નાગરિકોને કોઈપણ પ્રકારના ગભરાટમાં ન આવવા અને સંશાધનોની બિનજરૂરી સંગ્રહખોરી ન કરવા ભાવભરી વિનંતી કરી હતી.


તેમણે દેશહિતમાં સહકાર આપવા નાગરિકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, જે રીતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોરોનાકાળ દરમિયાન કરેલા આહવાનને નાગરિકોએ સકારાત્મકતા સાથે સ્વીકારીને અભૂતપૂર્વ સહયોગ આપ્યો હતો, તેવી જ રીતે આ અવસરે પણ ગુજરાતના નાગરિકો પૂરો સાથ-સહકાર આપશે, તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.


સાંપ્રત વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાને રાખીને લેવાયેલા આ નિર્ણયો દ્વારા રાજ્ય સરકાર પેટ્રોલ, ડીઝલ અને ફોરેન એક્સચેન્જના વપરાશમાં મોટો ઘટાડો કરી પર્યાવરણ અને સરકારી તિજોરી બંનેની સુરક્ષા માટે કટિબદ્ધ છે, તેમ પણ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application