BREAKING NEWS

દ્વારકામાં ચુંટણી અનુસંધાને ૭ દિવસની અંદર પોલીસ સ્ટેશનમાં હથિયાર જમા કરાવવાનાં રહેશે

  • April 07, 2026 05:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દ્વારકામાં ચુંટણી અનુસંધાને ૭ દિવસની અંદર પોલીસ સ્ટેશનમાં હથિયાર જમા કરાવવાનાં રહેશે


દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત અને તેના હેઠળ આવતી ખંભાળિયા, ભાણવડ, દ્વારકા અને કલ્યાણપુર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી ૨૦૨૬ તથા ખંભાળિયા નગરપાલિકા અને જામ રાવલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ૨૦૨૬ તેમજ સલાયા નગરપાલિકાના વોર્ડ નં.૩ની પેટા ચૂંટણી ૨૦૨૬ અંતર્ગત મતદાન તા.૨૬/૦૪/૨૦૨૬ના રોજ યોજાનાર છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આ ચૂંટણી યોજવા અંગેની જાહેરાત તા.૦૧/૦૪/૨૦૨૬ના રોજ કરવામાં આવી છે. આ તારીખથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યના એકમ હેઠળના વિસ્તારોમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવેલ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૂંટણી હેઠળના વિસ્તારમાં ચૂંટણી દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને કોઇ અનિચ્છનિય બનાવ બનવા ન પામે તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિમય વાતાવરણમાં થાય અને કોઇ વિક્ષેપો ઉભા ન થાય તે માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.


જિલ્લા મેજિસ્ટ્રેટ, દેવભૂમિ દ્વારકાને શસ્ત્ર અધિનિયમ-૧૯૫૯ની કલમ ૨૨(૧)(ખ) થી મળેલ સત્તાની રૂએ દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત અને તેના હેઠળ આવતી ખંભાળિયા, ભાણવડ, દ્વારકા અને કલ્યાણપુર તાલુકા પંચાયતના સમગ્ર વિસ્તારમાં તથા ખંભાળિયા નગરપાલિકા અને જામ રાવલ નગરપાલિકાના સમગ્ર વિસ્તારમાં તેમજ સલાયા નગરપાલિકાના વોર્ડ નં.૩ સમગ્ર વિસ્તારમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ તમામ આત્મરક્ષણના/પાકરક્ષણના પરવાનેદારો (અપવાદ સિવાયના)એ તેમના પરવાના વાળા હથિયાર દિવસ -૭માં સબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવી તે અંગેની પહોંચ મેળવી લેવાની રહેશે. પોલીસ સ્ટેશન તરફથી સૂચના મળવાની રાહ જોયા વિના આ આદેશને સૂચના ગણી હથિયારો જમા કરાવી દેવા આદેશ કરવામાં આવે છે.  


આ જાહેરનામું દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરજ બજાવતા તમામ મેજિસ્ટ્રેટઓ, કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારના તમામ અધિકારીઓ/કર્મચારીઓ કે જેઓને કાયદા મુજબ હથિયાર (સરકારી કે અંગત) ધારણ કરવાની મંજૂરી આપેલ છે અથવા પરવાનો ધરાવે છે તેમો અથવા ચૂંટણી ફરજ ઉપર હોય તે તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આવેલ સરકારી, અર્ધસરકારી સંસ્થાઓ (બેંક, કોર્પોરેશન સહીત)ના નામે જે હથિયાર પરવાનો ધરાવતા હોય તેમને તેમના પરવાના વાળા હથિયારો હેરફેર કરવા પર પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવે છે.


ઔધોગિક એકમો, ખાનગી સંસ્થાઓ, ટ્રસ્ટો વગેરે પોતે પરવાના ધરાવતી હોય તે સંસ્થા અને માન્યતા ધરાવતી સિક્યુરીટી એજન્સીના ગનમેન કે જેઓ રાષ્ટ્રીયકૃત, સહાકરી કે કોમર્શીયલ બેન્કો, એ.ટી.એમ તથા કરન્સી ચેસ્ટની લેવડ-દેવડ કરતાં હોય તેવા હથિયારધારી સિક્યુરીટી ગાર્ડને તેમના હથિયાર જમા કરવામાં આથી મુક્તિ આપવામાં આવે છે. આવા સિક્યુરીટી ગાર્ડએ તેઓ બેન્કમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હોય તે સંબંધિત એજન્સી/એકમનું ફોટોગ્રાફ સાથેનું ઓળખપત્રક પોતાની સાથે રાખવાનું રહેશે. તેમજ જે તે સંબંધિત એજન્સી/એકમના અધિકૃત અધિકારીએ આવા સિક્યુરીટી ગાર્ડની વિગતવાર માહિતી જે તે સંબંધિત પોલીસ સ્ટેશનને આપવાની રહેશે અને સંબંધિત પોલીસ સ્ટેશને આ અંગે નિયમોનુસારની ચકાસણી કરી લેવાની રહેશે. મોટા અને મહત્વના ધાર્મિક સ્થળોના મુખ્ય સંચાલક/ મહંતશ્રી/ પૂજારીના નામે મંજૂર કરાયેલ પરવાના અન્વયેના હથિયારો તથા જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ ખાસ પરવાનગી આપેલ તેઓને લાગુ પડશે નહીં.


આ આદેશનો ભંગ કરનારને ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩તની કલમ-૨૨૩ મુજબ સજાને પાત્ર થશે. આ જાહેરનામું સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News