હાઇફાઇ ભિક્ષુક કેન્દ્ર : રાજકોટમાં અહીંયા ભિક્ષુકો ભિક્ષા છોડી મેળવે છે રોજગારી, મનોરંજન માટે ટીવી ચેનલો, ડીવીડી, રમતગમતની પણ વ્યવસ્થા

  • June 09, 2023 08:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજય સરકાર દ્વારા ભિક્ષુકોનું સમાજમાં પુનઃ સ્થાપન થાય, સમાજના મુખ્ય પ્રવાહમાં તેઓ ભળે તે માટે ઘર જેવી સુવિધાવાળા ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર રાજયભરના તમામ મુખ્ય શહેરો અને નગરોમાં ચલાવવામાં આવી રહયા છે. રાજકોટના કાલાવડ રોડ ઉપર જયોતિનગર ચોક ખાતે આવેલા ભિક્ષુક સ્વીકાર કેન્દ્રમાં હાલ ૩૦ અંતેવાસીઓ (ભિક્ષુકો) આશ્રય લઇ રહયા છે. આ કેન્દ્ન ૬૦ અંતેવાસીઓનો સમાવેશ કરવાની ક્ષમતા ધરાવે છે. અંતેવાસીઓનો રહેવા- જમવા સહિતનો તમામ નિભાવ ખર્ચ રાજયસરકાર ભોગવે છે.




આ કેન્દ્રના નાયબ અધિક્ષક બી.પી.રાઠોડના માર્ગદર્શન હેઠળ ભિક્ષુકો ભિક્ષા વૃતિ છોડીને રોજગાર મેળવી શકે તે માટેની કેટલીક ઇત્તર પ્રવૃતિઓ પણ કરાવવામાં આવે છે. ડીટેઇન થયેલા ભિક્ષુકોને વણાટની તાલીમ, સાવરણા બનાવવાની તાલીમ અને ટુવાલ જેવી વસ્તુઓ બનાવવાની તાલીમ આપવામાં આવે છે. ગયા વર્ષે સો જેટલા ટુવાલ અંતેવાસીઓ દ્વારા બનાવાયા હતા. અંતેવાસીઓ પાસે બાગ બગીચામાં ફુલના છોડની જાળવણીના પણ કામ કરવામાં આવે છે. સંસ્થાના પરિસરની સફાઇ અને કપડા ધોવાનું કામ અંતેવાસીઓ જાતે જ કરે છે. અંતેવાસીઓના રહેઠાણમાં મનોરંજન માટે ટીવી પ્રોગ્રામ, રમતગમત, વ્યાખ્યાન વગેરેની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. વિશેષ દાતાના સહકારથી ડીશ ટીવી અને ડીવીડી ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.




સમાજ સુરક્ષા અધિકારી પ્રાર્થના સેરસિયાએ જણાવ્યા અનુસાર, મુંબઇ ભિક્ષા પ્રતિબંધક ધારો ૧૯૫૯ અને ગુજરાત ભિક્ષા પ્રતિબંધક ધારો ૧૯૬૪ હેઠળ સમાજ સુરક્ષા ખાતુ ગુજરાત રાજ્ય દ્વારા સંચાલીત આ ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર રાજકોટ ખાતે કાર્યરત છે. જે સમાજ સુરક્ષા ખાતુ અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી ચલાવવામાં આવી રહયું છે.




આ કેન્દ્રની સુચારૂ વ્યવસ્થા માટે જિલ્લા કક્ષાની મુલાકાત સમિતિ કાર્યરત છે. જેના રાજકોટની સમિતિના અધ્યક્ષ કલેકટર પ્રભવ જોષી છે. હાલ કામચલાઉ ધોરણે ટ્રાફિક શાખાના સહયોગથી ભિક્ષુકોને પકડવા રાઉન્ડ અપ ગોઠવી તેમને ભિક્ષુક ગૃહમાં આશ્રય આપવામાં અવો છે. આ કેન્દ્રમાં અંતેવાસીઓના મેડિકલ ચેકઅપ પણ સમયાંતરે થાય છે.



આ ભિક્ષુક સ્વીકાર કેન્દ્રમાં અંતેવાસીઓને કેન્દ્રમાં રાખી તેઓની જરૂરિયાત પ્રમાણે પુનઃસ્થાપન માટે સતત કાર્યશીલ રહેવા પ્રયત્ન કરવામાં આવે છે. સંસ્થામા ટૂંકા સમય માટે રીમાન્ડ વિભાગ રાખવામાં આવે છે જ્યારે તેઓની પુછપરછ કૌટુંબિક અને સામાજીક વિગતો મેળવી જરૂરી પત્ર વ્યવહાર કે સંપર્ક કરી પુન:સ્થાપન કરવા માટેની કાર્યવાહી કરી નામદાર કોર્ટ દ્વારા ઠપકો આપી મુક્ત કરવામાં આવે છે અને જે કાર્યવાહીમાં મુક્ત ન થાય તેવા હોય અથવા પુનઃસ્થાપન ન થાય તેને સંસ્થા ખાતે એક વર્ષ માટે ડીટેઇન કરી રાખવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application