BREAKING NEWS

આગામી તા.૯થી ૧૨ દરમ્યાન દ્વારકા જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળોએ હિટવેવની આગાહી

  • May 08, 2026 12:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી તા.૯થી ૧૨ દરમ્યાન દ્વારકા જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળોએ હિટવેવની આગાહી

જામનગર સહિત સમગ્ર હાલારમાં એક તરફ અંગ દઝાડતી ગરમી પડી રહી છે ત્યારે બીજી તરફ રાજયનાં હવામાન વિભાગે આગામી તા.૯ થી ૧૨ દરમ્યાન દ્વારકા અને રાજકોટ સહિતનાં જિલ્લામાં આગ ઝરતી ગરમી પડશે અને મહતમ તાપમાનનો પારો ૪૦ ડીગ્રીને પાર કરી જશે એવી આગાહી કરી છે. તંત્ર એલર્ટ બની ગયું છે, લોકોને મુશ્કેલી ન થાય તે માટે સરકારી કચેરીઓની બહાર પાણી અને છાંયાની વ્યવસ્થા કરવા સુચના આપી દેવામાં આવી છે. 

હવામાન ખાતાએ જણાવ્યું છે કે સાયકલોનીક સર્કયુલેશન અને ટ્રફ લાઇનની સીસ્ટમ સક્રિય બનતા રાજયનાં વાતાવરણમાં ફેરફાર થશે અને તા.૯ થી ૧૨ દરમ્યાન દ્વારકા કચ્છ અને રાજકોટ જિલ્લામાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. ગઇકાલે પણ સુરેન્દ્રનગર ૪૩.૫, રાજકોટ ૪૨.૭, અમરેલી ૪૨.૩, ડીગ્રી તાપમાન રહ્યું હતું. અને આગામી દિવસોમાં વધુ ગરમી પડશે તે પણ હકીકત છે.

રાજયમાં અંગ દઝાડતી ગરમીને કારણે બપોરના ભાગમાં કબુતર, ચકલી, પોપટ, હોલા, સહિતના પક્ષીઓ પરેશાન થઇ જાય છે. રસ્તે રખડતા શ્ર્વાનોને પણ ખુબ જ તકલીફ થાય છે ત્યારે આગામી દિવસોમાં ગરમીથી લોકો વધુ પરેશાન થશે. 

કલેકટર કચેરીનાં કંટ્રોલનાં જણાવ્યા મુજબ વધુમાં વધુ તાપમાન ૩૭.૫ ડીગ્રી, ઓછામાં ઓછુ ર૫ ડીગ્રી,  હવામાં ભેજ ૮૦ ટકા, પવનની ગતિ ૩૦ થી ૩૫ કિ.મી. પ્રતિ કલાક જોવા મળી હતી. 

સવારથી જે રીતે આકરો તાપ શરૂ થયો છે તે જોતા બપોર સુધીમાં તાપમાન કદાચ ૩૯ ડીગ્રી નજીક પહોંચી જાય તેવી શકયતા છે.

ડોકટરોના જણાવ્યા મુજબ ચક્કર લાગે કે બેચેની લાગે તો તાત્કાલિક ઓઆરએસ કે લીંબુ પાણી પીવું અને નજીકનાં આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો. સતત પાણી પીતા રહેવું અને બપોરે ૧૨ થી ૫ દરમ્યાન કામ ન હોય તો ઘરની બહાર ન નીકળવુ તેવી સલાહ ડોકટરોએ આપી છે. ગામડાઓમાં જે રીતે ગરમી વધી રહી છે ત્યારે બે દિવસ સુધી લોકો પણ પરેશાન થઇ જશે અને વૈશાખ મહિનાની શરૂઆતમાં જે રીતે ગરમી શરૂ થઇ છે જોતા આગામી દિવસમાં મહતમ તાપમાન ૪૨ ડીગ્રીને પાર કરી દેશે તેમ જણાય છે.

તંત્ર દ્વારા ગરમી વધે તો શું કરવું તે અંગે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જિલ્લા કલેકટરે દ્વારકા ડિસ્ટ્રીકટ હીટ એકશન, ટાસ્ક ફોર્સની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં આરોગ્યને લગતી વિપરીત અસરથી બચવા ભારપુર્વક જણાવવામાં આવ્યું હતું. ઉપરાંત જાહેર સ્થળોએ પીવાના પાણીની પુરતી વ્યવસ્થા કરવા પણ જણાવાવમાં આવ્યું હતું. આમ, ગરમીથી બચવા હાલારમાં સરકાર દ્વારા પણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ઉપરાંત તમામ સરકારી કચેરી પાસે અરજદારોને લૂ ન લાગે તે માટે પીવાનાં પાણીની વ્યવસ્થા અને છાંયાની વ્યવસ્થા કરવા જિલ્લા કલેકટરે સુચના આપી છે. 

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application