જસદણના મોટા દડવામાં પ્રેમી અને પ્રેમિકા વચ્ચે ઝઘડો થતા પ્રેમિકાએ પૂર્વ પતિ અને ભાણેજ સાથે મળી પ્રેમીની હત્યા કરી હતી. બાદમાં ત્રણેય મધ્યપ્રદેશ ભાગી છૂટ્યા હતા. જોકે પોલીસે મધ્યપ્રદેશમાં દરોડા પાડી ત્રણેય આરોપીને ફિલ્મી ઢબે દબોચી લીધા છે. વાડીમાં ભાગિયા તરીકે કામ કરતા મૂળ મધ્યપ્રદેશના મહેશ વસુનિયા નામના યુવકની તેની જ પ્રેમિકા રેશ્માએ પૂર્વ પતિ અને તેના ભાણેજ સાથે મળીને ત્રીકમ અને પથ્થરના ઘા ઝીંકી ક્રૂરતાપૂર્વક હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ ઘટના 11 ડિસેમ્બરે બની હતી.
મહેશ પત્નીને છોડી પ્રેમિકા રેશ્મા સાથે રહેતો
મૃતક મહેશ વસુનિયા (ઉં.વ.33) પાંચ સંતાનોનો પિતા હોવા છતાં છેલ્લા બે વર્ષથી પત્નીને છોડી પ્રેમિકા રેશ્મા સાથે રહેતો હતો. છેલ્લા 6 મહિનાથી તેઓ મોટાદડવા ગામના ગીરીશભાઈ પારગીની વાડીમાં ભાગે ખેતી કરી ગુજરાન ચલાવતા હતા. ગત 11મી તારીખે મહેશ લોહીલુહાણ હાલતમાં તેની ઓરડીમાં ખાટલા પર મળી આવ્યો હતો. સારવાર દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તેનું મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.
તું મહેશને યમલોક પહોંચાડી દે, તો જ હું તારી સાથે રહેવા આવીશ
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, 8 દિવસ પહેલા મહેશની મૂળ પત્ની મમતા વાડીએ રહેવા આવી હતી. જેને લઈ પ્રેમિકા રેશ્મા અને પત્ની વચ્ચે ભારે વિવાદ થયો હતો. પત્નીના ગયા બાદ મહેશ રેશ્મા સાથે અવારનવાર ઝઘડો કરી તેને ઢોર માર મારતો હતો. આ હેરાનગતિથી કંટાળી રેશ્માએ તેના પૂર્વ પતિ જઉંડા મઇડાનો સંપર્ક કર્યો અને શરત મૂકી કે, જો તું મહેશને યમલોક પહોંચાડી દે, તો જ હું તારી સાથે રહેવા આવીશ.
આ રીતે બનાવને આપ્યો અંજામ આપ્યો હતો
પત્નીની શરત માન્ય રાખી પૂર્વ પતિ જઉંડા મઇડા અને તેનો ભાણેજ દિલીપ મીણા એમ.પી. થી મોટાદડવા આવ્યા હતા. રાત્રિના સમયે જ્યારે મહેશ સૂતો હતો, ત્યારે રેશ્મા, જઉંડા અને દિલીપે એકસંપ થઈ ત્રીકમ, ઈંટ અને પથ્થર વડે તેના માથાના ભાગે જીવલેણ હુમલો કર્યો હતો. મહેશ મરી ગયો છે તેમ સમજી ત્રણેય આરોપીઓ ઓરડીને બહારથી સાંકળ મારી મધ્યપ્રદેશ ફરાર થઈ ગયા હતા.
આટકોટ પોલીસે MPમાં ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડ્યું
આ બનાવ બાદ પ્રેમિકા રેશ્મા ગુમ હોવાથી અને તેનો ફોન સ્વીચ ઓફ આવતા આટકોટ PSI બારૈયા અને તેમની ટીમે શંકાના આધારે તપાસ તેજ કરી હતી. ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી પોલીસે મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના ધામનોદ ગામે દરોડો પાડી ત્રણેય આરોપીઓ રેશ્માનો પૂર્વ પતિ જઉંડા હરજી મઇડા (ઉં.વ. 35), દિલીપ વરસિંગ મીણા (ઉ.વ. 19) - પૂર્વ પતિનો ભાણેજ અને રેશ્મા જઉંડા મઇડા (ઉ.વ. 33) - મૃતકની પ્રેમિકાની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી આરંભી હતી.