જામનગર: વડાપ્રધાનના બંદોબસ્તમાં પૂર્વ એસપી પ્રેમસુખ ડેલુની ખાસ નિમણુંક
જામનગરમાં ત્રણ દિવસ રોકાઈ સુરક્ષા વ્યવસ્થાની દેખરેખ સંભાળશે:જિલ્લામાં લાંબી ફરજ બજાવવાના અનુભવનો મળશે લાભ
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંભવિત જામનગર પ્રવાસને લઈને સમગ્ર પોલીસ તંત્ર એલર્ટ મોડ પર કાર્યરત બન્યું છે.
વડાપ્રધાનના બંદોબસ્ત અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત બનાવવા માટે જામનગર જિલ્લાના પૂર્વ પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની ખાસ નિમણુંક કરવામાં આવી છે.જામનગર જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષ સુધી પોલીસ અધિક્ષક તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવી ચૂકેલા પ્રેમસુખ ડેલુ સમગ્ર જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ, સંવેદનશીલ વિસ્તારો તેમજ સ્થાનિક વ્યવસ્થાથી સારી રીતે પરિચિત હોવાથી તેમને વડાપ્રધાનના બંદોબસ્તમાં વિશેષ જવાબદારી સોંપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ પ્રેમસુખ ડેલુ આજે સવારે જામનગર આવી પહોંચ્યા હતા અને તેઓ આગામી ત્રણ દિવસ સુધી જામનગરમાં મુકામ રાખીને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે સંકલન સાધી સુરક્ષા વ્યવસ્થાની કામગીરીમાં જોડાશે. વડાપ્રધાનના આગમનને ધ્યાનમાં રાખીને એરપોર્ટ, સર્કિટ હાઉસ, લાલબંગલા સર્કલ તેમજ અન્ય મહત્વના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી રહી છે.