જામનગરમાં સજુબા સ્કૂલ નજીક ટ્રાન્સફોર્મરમાં આગથી દોડધામ
લોકોમાં અફડાતફડી, થોડી કલાકો માટે વીજપુરવઠો ખોરવાતા દેકારોપીજીવીસીએલના ૩ કર્મીઓની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી
જામનગર શહેરમાં સજુબા સ્કૂલ નજીક આવેલા વીજ ટ્રાન્સફોર્મરમાં આજે સવારે અચાનક આગ લાગતાં અફડાતફડી સાથે દોડધામ મચી ગઈ હતી. બનાવના પગલે થોડી કલાકો માટે વીજપુરવઠો ખોરવાતા લોકોમાં દેકારો બોલી ગયો હતો. પીજીવીસીએલના ૩ કર્મચારીઓની સમયસૂચકતાથી મોટી દુઘર્ટના ટળી હતી.
જામનગરમાં રણજીત રોડ પર આવેલી સરકારી સજુબા સ્કૂલ પાસે ટ્રાન્સફોર્મરમાં આજે સવારે આગ ભભૂકી ઉઠી હતી. આ બનાવની જાણ થતાં જ પીજીવીસીએલ ના દરબારગઢ સબ ડિવિઝનના ત્રણ કર્મચારીઓ ડી.આઈ. ત્રિવેદી, એસ.આર. પરમાર અને આર.કે કણજારીયા તાબડતોબ સ્થળ પર દોડી ગયા હતા. આગ વધુ ફેલાય તે પહેલાં જ વીજ પુરવઠો બંધ કરી સુરક્ષાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ફાયર વિભાગ પહોંચે તે પહેલાં જ પીજીવીસીએલના ત્રણેય વિજ કર્મચારીઓએ પોતાનો જીવ જોખમમાં મૂકી આગ પર કાબૂ મેળવવા પ્રયાસો શરૂ કર્યા હતા.
કર્મચારીઓએ ઉપલબ્ધ સાધનો અને સ્થાનિક સ્તરે મળતા સાધનોનો ઉપયોગ કરીને સળગતા ટ્રાન્સફોર્મર પર ચડી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે, જેમાં કર્મચારીઓની હિંમત જોવા મળી હતી. આ વિસ્તારનો વીજ પુરવઠો પણ ગણતરીની મિનિટોમાં જ પૂર્વવત બનાવી દીધો હતા.