જામનગર: સિક્કા પાટિયા નજીક ટ્રેક્ટર પાછળ બોલેરો અથડાતાં આગ ભભૂકી
બોલેરો ચાલકને સામાન્ય ઇજા: સદભાગ્યે જાનહાની ટળી
સિક્કા પાટિયા નજીક ટ્રેક્ટરે અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલી બોલેરો ગાડી તેની પાછળ અથડાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ બોલેરોમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી.
મળતી માહિતી મુજબ, ટ્રેક્ટર-ટ્રોલી પાછળ અથડાયેલી બોલેરોમાં અકસ્માત બાદ અચાનક આગ લાગી હતી. જોતા જોતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં વાહન ભડકે સળગી ઊઠ્યું હતું. ઘટનાને પગલે હાઈવે પર થોડા સમય માટે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા.
અકસ્માતમાં બોલેરોના ચાલકને સામાન્ય ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને સંબંધિત તંત્ર દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા હતા.
બોલેરો આગની જ્વાળાઓમાં ઘેરાઈ જતાં ઘટનાસ્થળે ભારે કુતૂહલ સર્જાયું હતું. અનેક રાહદારીઓ અને વાહનચાલકોએ પોતાના મોબાઇલ ફોનમાં ઘટનાના વીડિયો પણ ઉતારી સોશ્યલ મિડિયામાં વાયરલ કર્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું સામે આવ્યું છે, જોકે બોલેરોને ભારે નુકસાન પહોંચ્યું હતું. અકસ્માતના ચોક્કસ કારણો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.