BREAKING NEWS

હાલારમાં પેટ્રોલપંપો પર ડીઝલના ડચકા, ટ્રાન્સપોર્ટેશનને કમરતોડ ફટકો

  • May 22, 2026 12:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલારમાં પેટ્રોલપંપો પર ડીઝલના ડચકા, ટ્રાન્સપોર્ટેશનને કમરતોડ ફટકો

અછત કે સંગ્રહાખોરી: જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ડીઝલની અછતથી પંપો પર વાહનોની લાંબી કતારો, અમુક પંપો પર ડીઝલ ખલાસના બોર્ડ લાગ્યા

મોટાભાગના પંપ પરથી ફકત રૂ.૫૦૦નું ડીઝલ વાહનમાં ભરવામાં આવતું હોવાની થોકબંધ લોક ફરિયાદો: ડીઝલનો પૂરતા જથ્થાના વહીવટી તંત્રના દાવાનો ફીયાસ્કો

હાલારમાં પેટ્રોલપંપો પર ડીઝલ ડચકા ખાતા ટ્રાન્સપોર્ટટેશનને કમરતોડ ફટકો પડી રહ્યો છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ડીઝલની અછતથી પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. અમુક પંપો પર ડીઝલ ખલાસના બોર્ડ લાગ્યા છે.

મોટાભાગના પંપ પરથી ફકત રૂ.૫૦૦નું ડીઝલ વાહનમાં ભરવામાં આવતું હોવાની થોકબંધ લોકફરિયાદો ઉઠી છે. ત્યારે ડીઝલના પૂરતા જથ્થાના જિલ્લા વહીવટીતંત્રના દાવાનો ફીયાસ્કો થયો છે. બીજી બાજુ ડીઝલની અછત  છે કે સંગ્રહાખોરી કરવામાં આવી રહી છે તે પણ તપાસનો વિષય બન્યો છે.

જામનગર અને દેવભૂમિ જિલ્લામાં બે દીવસથી ચોેમેર ડીઝલની અછતની કાગારોળ મચી ગઇ છે. ખાસ કરીને ધોરીમાર્ગો પર આવેલા પેટ્રોલપંપો પૈકીના મોટાભાગના પંપો પર તો ડીઝલ નથીના પાટીયા લાગી ગયા છે. બીજી બાજુ જે પેટ્રોલ પંપો પરથી ડીઝલ મળી રહ્યું છે ત્યાં વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. જામનગર શહેરમાં આવેલા પેટ્રોલપંપો પર વાહનમાં મહતમ ‚ા.૫૦૦નું ડીઝલ ભરી આપવામાં આવતા લોકોમાં ભારે દેકારો બોલી ગયો છે. બીજી બાજુ ડીઝલની અછતથી ટ્રાન્સપોર્ટટેશનને કમરતોડ ફટકો પડયો છે. ટ્રક, ખાનગી બસ તથા જીવનજ‚રીયાતની ચીજ વસ્તુઓનું વહન કરતા વાહનચાલકો અસહ્ય મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આટલું જ નહીં ટ્રાન્સપોર્ટટેશન મોંઘુ બનતા જીવનજ‚રીયાતની ચીજવસ્તુના ભાવ પણ વધતા મોંધવારીમાં લોકોને વધુ એક ડામની સ્થિતિ સર્જાઇ છે. જો ડીઝલની આ જ સ્થિતિ રહી તો આગામી દીવસોમાં ટ્રાન્સપોર્ટટેશન ઉધોગમાં લોકડાઉન કે બંધ થવાની ભીતિ પણ નકારી શકાતી નથી.

ખંભાળિયામાં ડીઝલ માટે ખેડૂતોની ભારે રઝળપાટ:
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાના ૫્રતિનિધિના જણાવ્યાનુસાર નગર સહિત ગ્રામ્ય પંથકમાં ખેતીની સિઝનના પ્રારંભને પગલે ખેડૂતો દ્વારા ડીઝલ માટે રઝળપાટ કરી રહ્યા છે. બીજી બાજુ નિયત સંખ્યામાં જ ટેન્કરો પેટ્રોલ પંપો પર ફાળવવામાં આવે છે ત્યારે કતારો લાગતા થોડા જ સમયમાં જથ્થો ખલાસ થઈ જતા હોવાથી માલ ખલાસ છેના પાટિયા અનેક પેટ્રોલ પંપ પર લાગેલા જોવા મળે છે. ખેડૂતો ટ્રેક્ટરો સાથે બેરલ અને કેરબા લઈને ઉમટતા પેટ્રોલ પંપ પર લાઈનો લાગી રહી છે.દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર રાજેશકુમાર તન્ના તથા જિલ્લા પુરવઠા અધિકારી ડે. કલેક્ટર ક્રિષ્ના સોલંકી દ્વારા ડીઝલનો પૂરતો જથ્થો હોય, ખોટી અફવામાં ન આવવા અપીલ કરી છે.

સલાયામાં બે દીવસથી ડીઝલ ખલાસ, લોકો હેરાન-પરેશાન:
સલાયાના પ્રતિનિધિના જણાવ્યાનુસાર છેલ્લાં બે દીવસથી ડીઝલનો જથ્થો નથી.ગામમાં આવેલા બે પંપ પૈકી એકેયમાં ડીઝલનો જથ્થો નથી. આથી વાહનચાલકોની સાથે ખેડૂતો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે બંને પંપ પર ડીઝલનો જથ્થો કયારે આવશે તે હજુ નકકી નથી.

ભાણવડમાં ડીઝલન તંગીથી પંપો પર મસમોટી કતાર:
ભાણવડના પ્રતિનિધિના જણાવ્યાનુસાર ગામ અને તાલુકામાં સપ્તાહથી ડીઝલની તંગી પ્રર્વતી રહી છે. આથી પેટ્રોલપંપો પર લાંબી કતારો લાગી રહી છે. જેમા પાણીના એક બેડા માટે મહીલાઓ લાઇન લગાવે છે તે રીતે ડીઝલ મેળવવા વાહનચાલકો લાઇન લગાવી રહ્યા છે.

દ્વારકામાં પંપ પરથી મર્યાદીત જથ્થો મળે છે:
દ્વારકાના પ્રતિનિધિના જણાવ્યાનુસાર યાત્રાધામમાં ડીઝલની સ્થિતિ સારી નથી. કોઇક પંપ પરથી રૂ.૧૦૦૦નું તો કોઇક પંપ પરથી ફકત રૂ.૫૦૦નું ડીઝલ આપવામાં આવે છે. આજ સાંજ સુધીમાં વધુ સ્ટોક આવી જશે તેવી હૈયાધારણા તંત્ર દ્વારા આપવામાં આવી છે. યાત્રાધામમાં ભારતભરમાંથી યાત્રીકો વાહન લઇને આવતા હોય ડીઝલ ન મળતા કટોકટી જેવી સ્થિતિ પ્રર્વતી રહી છે.

ધ્રોલમાં પંપો પર ડીઝલ ભરાવવા લોકોની પડાપડી:
ધ્રોલના પ્રતિનિધિના જણાવ્યાનુસાર શહેર તથા ધોરીમાર્ગો પર આવેલા પેટ્રોલ ૫ંપો પર ડીઝલ ભરાવવા વાહનચાલકો રીતસર પડાપડી કરી રહ્યા છે. કારણ કે, ડીઝલની અછતના કારણે કલાકોમાં પંપો પર ડીઝલ ખલાસ થઇ જાય છે. ખાસ કરીને ખેડૂતો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

લાલપુરમાં કલાકો સુધી પેટ્રોલ-ડીઝલનું વેંચાણ બંધ:
લાલપુરના પ્રતિનિધિના જણાવ્યાનુસાર નગરમાં સવારે ૬ થી ૧૧ વાગ્યા સુઘી પેટ્રોલ પંપો પર પેટ્રોલ-ડીઝલનું વેંચાણ બંધ કરવામાં આવતા વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મૂકાયા છે. છેલ્લાં ૪ થી ૫ દીવસથી ડીઝલના વેંચાણમાં ભારે ધાંધીયા ચાલી રહ્યા છે. 

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application