જામનગરમાં મારુ કંસારા હોલની પાછળના ભાગમાં આવેલી સોસાયટી કે જયાં કોળી સમાજના ૨૬ જેટલા પરિવારો વસવાટ કરતા હતાં, તેઓને યજ્ઞેશ રતીલાલ રાણપરીયાની ગેંગ દ્વારા પ્લોટ પાડીને સરકારી જગ્યામાં ખોટા દસ્તાવેજોના આધારે મકાનો બનાવી દેવાયા હતાં, જેના પર તાજેતરમાં ડીમોલેશન કરી દેવાયું હતું અને તમામ ગરીબ પરિવાર રોડ રસ્તા પર આવી ગયા છે.
ત્યારે આજે બીજી વખત જિલ્લા કલેક્ટર સમક્ષ તમામ પરિવાર રેલી સ્વરૂપે કોળી સેનાના પ્રમુખ જીતેશ શિંગાળાની આગેવાનીમાં પહોંચ્યા હતાં અને પોતાને રાણપરિયા ગેંગ કે જેઓના ત્રાસ માંથી મુક્તિ અપાવવા અને તમામ જવાબદારો સામે પગલાં લેવા માંગણી કરવામાં આવી છે. ૨૬ જેટલા ગરીબ કોળી પરિવારના સભ્યોને યજ્ઞેશ રાણપરીયાની ગેંગ દ્વારા સરકારી જમીનના ખોટા પુરાવા બનાવી પોતાની જય સરદાર ટ્રેડિંગ કંપનીના નામે જમીન દર્શાવીને તમામ પરિવારો સાથે છેતરપિંડી કરી હતી.દરમિયાન મહાનગરપાલિકા દ્વારા ઉપરોક્ત તમામ મકાનના દબાણો ગેરકાયદે હોવાનું જણાવીને દૂર કરી નાખ્યા હતાં અને તમામ પરિવારો હાલ રોડ પર આવી ગયા છે, જે અંગે અગાઉ પણ મહાનગરપાલિકા તેમજ જિલ્લા કલેકટર કચેરી સમક્ષ રજૂઆત કરાઈ હતી.
હજુ સુધી ન્યાય મળ્યો ન હોવાથી આજે ફરીથી તમામ પરિવારો કોળી સેનાના પ્રમુખ જીતેશ શિંગાળાની રાહબરી હેઠળ જિલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યા હતાં અને પોતાને ન્યાય અપાવવા અને રાણપરીયા ગેંગના ત્રાસમાંથી મુક્તિ આપવા માંગણી કરી છે.