BREAKING NEWS

હાલારમાં વરસાદમાં વિલંબ અને ઘટની આગાહી, ચોમાસુ પાકના વાવેતર પર ચિંતાના વાદળો ઘેરાયા

  • June 13, 2026 01:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલારમાં વરસાદમાં વિલંબ અને ઘટની આગાહી, ચોમાસુ પાકના વાવેતર પર ચિંતાના વાદળો ઘેરાયા

જોખમ: કૃષિ તજજ્ઞોએ કહ્યું બંને જિલ્લામાં મોડું વાવેતર થશે તો પાક ઉત્પાદનની ક્ષમતા ઘટવાની પણ ભીતિ

ઘણા ખેડૂતોએ આગોતરૂ વાવેતર કર્યું પણ વરસાદ મોડો થશે અને પાણી ખૂટી જશે તો પાક નિષ્ફળની શકયતા

ચાલુ વર્ષે રાજયની સાથે હાલારમાં વરસાદના વિલંબ અને ઘટની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાવમાં આવી છે, આથી ચોમાસુ પાકના વાવેતર પર ચિંતાના વાદળો ઘેરાયા છે. કારણ કે, જો બંને જિલ્લામાં મોડું વાવેતર થશે તો ઉત્પાદનની ક્ષમતા ઘટવાની ભીતિ કૃષિ તજજ્ઞોએ વ્યકત કરી છે. બંને જિલ્લામાં ઘણા ખેડૂતોએ ચોમાસું પાકનું આગોતરૂ વાવેતર કર્યું છે પણ જો વરસાદ મોડો થશે અને પાણી ખુટી જશે તો પાક નિષ્ફળ જવાની પણ શકયતા નકારી શકાતી નથી.

સુપર અલનીનોની અસરના કારણે ગુજરાતમાં વિધિવત ચોમાસાના આગમનમાં વિલંબ અને વરસાદમાં ઘટ એટલે કે ૯૦ ટકા વરસાદની આગાહી આઇએમડી દ્વારા કરવામાં આવી છે. જેના કારણે હાલારમાં પણ ચોમાસુ પાકના વાવેતર પર ચિંતાના વાદળો ઘેરાયા છે. કારણ કે, દર વર્ષ સામાન્ય રીતે ૧૫ જૂનના વિધિવત ચોમાસનું આગમન થાય છે. પરંતુ ૧૩ જૂન થવા છતાં ચોમાસના આગમનના કોઇ એંધાણ બંને જિલ્લામાં દેખાઇ રહ્યા નથી. આ અંગે જામનગર કૃષિ વિજ્ઞાન કેન્દ્વના સીનીયર સાયન્ટીસ્ટ અને હેડ કાંતિભાઇ બારૈયાએ જણાવ્યુ હતું કે, ચાલુ વર્ષ ખેડૂતો માટે કપરૂ બની રહે તો નવાઇ નહીં. કારણ કે, આઇએમડી દ્વારા ચોમાસાના આગમનમા વિલંબ અને ૯૦ ટકા વરસાદની આગાહી કરાઇ છે. આટલું જ નહીં ઓડ-ઇવન વરસાદ એટલે કે અમુક સ્થળોએ ભારે તો અમુક સ્થળોએ નહીંવત વરસાદની આગાહી કરવામાં આવી છે. આથી ચોમાસુ પાકનું વાવેતર મોડું થશે. જેના કારણે પાક ઉત્પાદનની ક્ષમતા પર માઠી અસર થશે એટલે કે ઘટવાની પૂરી શકયતા છે. હાલમાં તો ખેડૂતો વરસાદની કાગની ડાળે રાહ જોઇ રહ્યા છે. જો કે, ઘણા ખેડૂતો કે જેઓને પિયતની સુવિધા છે તેઓએ ચોમાસુ પાકનું વાવેતર કર્યું છે. પરંતુ જો વરસાદ મોડો થાય અને પિયત માટે પાણી ખૂટી જાય તો પાક નિષ્ફળ જવાની ભીતિ પણ છે. ચાલુ વર્ષ ચોમાસુ પાકમાં કપાસ કરતા મગફળીનું વાવેતર વધુ થયું છે. કપાસના ઓછા વાવતેર પાછળ અપૂરતા ભાવ અને પાકનો લાંબો સમયગાળો કારણભૂત છે. મગફળીના પાકનું જે ખેડૂતોએ વાવતેર કર્યું છે તેઓએ પિયતની સુવિધાનો કાર્યક્ષમ ઉપયોગ કરવો હીતાવહ અને જ‚રી છે. આ માટે ફુવારા અને ટપક સિંચાઇ પઘ્ધતિથી પિયત કરવું. 

અત્રે નોંધનીય છે કે, જામનગર જિલ્લામાં ૨૧૧૬ હેકટર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૬૦૬ હેકટરમાં ચોમાસુ પાકનું આગોતરૂ વાવેતર થયું છે. જો કે, હજુ ઘણા ખેડૂતોએ વાવતેર કર્યું નથી. કારણ કે, ચોમાસાનું વિધિવત આગમન થયું નથી. બીજી નોંધનીય બાબત એ છે કે, જો પાછોતરો વરસાદ થાય પરંતુ અગાઉ વાવતેર મોડું થયું હોય તો આ વરસાદનો લાભ ખેડૂતો પૂરતા પ્રમાણમાં લઇ શકે નહીં. આમ વરસાદમાં વિલંબ અને ઘટથી ચોમાસુ પાકના વાવેતર પર ચિંતાના વાદળો ઘેરાતા ખેડૂતો ભારે મૂંઝવણમાં મૂકાયા છે. 

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application