જામનગર તાલુકાના કનસુમરાગામ નજીક આવેલી રેલવે ટ્રેક પાસે અજાણ્યા યુવકનું મૃત્યુ: વાલી-વારસની શોધ માટે પોલીસની અપીલ
ડાબા હાથ પર અંગ્રેજીમાં 'સુદીપ' લખાવેલું ટેટૂ ઓળખ માટે મહત્વનું નિશાન
જામનગર શહેરના પંચકોશી "બી" ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કનસુમરા ગામ નજીક આવેલા રેલવે ટ્રેક પરથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતાં પોલીસે વાલી-વારસની શોધખોળ હાથ ધરી છે અને જનતાને ઓળખ અંગે મદદ કરવા અપીલ કરી છે.
પંચકોશી "બી" ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અ.મોત ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ-૧૯૪ મુજબ નોંધાયેલ બનાવ અનુસાર, તા. ૧૯ મે ૨૦૨૬ના રોજ બપોરે અંદાજે ૧.૦૦ વાગ્યા અગાઉ કનસુમરા ગામ નજીક રેલવે ટ્રેક પર પોલ નં. ૮૩૪/૩૭ થી ૮૩૪/૩૯ વચ્ચે તેમજ ફાટક નં. ૨૦૩ અને ૨૦૪ની વચ્ચે એક અજાણ્યો પુરુષ ગંભીર હાલતમાં મળી આવ્યો હતો.
મૃતકના માથાના ભાગે ગંભીર ઇજાઓ જોવા મળી હતી. બેભાન હાલતમાં મળી આવેલા આ વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તપાસ બાદ સાંજે ૫.૪૦ વાગ્યે તેને મૃત જાહેર કર્યો હતો.
પોલીસ તપાસ મુજબ મૃતકની ઉંમર અંદાજે ૩૦ વર્ષ જેટલી હોવાનું જણાય છે. મૃતકના ડાબા હાથ પર અંગ્રેજીમાં 'સુદીપ' લખાવેલું ટેટૂ જોવા મળ્યું છે, જે તેની ઓળખ માટે મહત્વની કડી બની શકે છે. અત્યાર સુધી મૃતકની ઓળખ તેમજ તેના વાલી-વારસ અંગે કોઈ માહિતી મળી આવી નથી.
પ્રાથમિક તપાસમાં મૃતક બહારના રાજ્યનો રહેવાસી હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના પગલે પંચકોશી "બી" ડિવિઝન પોલીસ દ્વારા વિવિધ માધ્યમો મારફતે મૃતકની ઓળખ મેળવવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
જે કોઈ વ્યક્તિને મૃતક અંગે કોઈ માહિતી હોય અથવા તેના વાલી-વારસ વિશે જાણકારી હોય તેમણે તાત્કાલિક પંચકોશી "બી" ડિવિઝન પોલીસ સ્ટેશન, જામનગરનો સંપર્ક કરી પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.