BREAKING NEWS

ગોંડલના અનિડા ગામે સરકારી ખરાબામાં દીવાલ ખડકી દઇ દબાણ કરતા ફરિયાદ

  • June 23, 2026 10:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અગાઉ કરેલું દબાણ તંત્રએ દૂર કર્યા બાદ ફરીવાર કબજો કરી લેતા મામલતદારે એન્ટી લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી




ગોંડલના અનિડા ગામે સરકારી ખરાબામાં દીવાલ ચણી દબાણ કરી લેવામાં આવ્યું હતું. જે દબાણ વહીવટી તંત્રના ધ્યાને આવતા દૂર કરી દેવાયું હતું. બાદમાં ફરીવાર આ શખસે દીવાલ ખડકી દબાણ કરી લેતા જિલ્લા વહીવટી તંત્રએ સૂઓમોટો લઈ ગોંડલ તાલુકા પોલીસ મથકે એન્ટી લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.


બનાવની જાણવા મળતી વિગતો મુજબ, અનુસાર ગોંડલના મામલતદાર આર.બી. ડોડીયાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે દીક્ષિતભાઈ પીપળીયા (રહે. શિવરાજગઢ, ગોંડલ,રાજકોટ)નું નામ આપ્યું છે. જે ફરિયાદના આધારે ગોંડલ તાલુકા પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.


મામલતદારએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગોંડલ તાલુકાના અનિડા ગામના સરકારી ખરાબાના ખાતા નંબર 539 થી રેવન્યુ સર્વે નંબર 46-ડીની કુલ હેકટર 12-98-36 ચોરસ મીટર જમીન આવેલી છે. જે જમીનમાં દીક્ષિત પીપળીયા દ્વારા આશરે 300 ચો.મી.જમીનમાં પાકી દિવાલનું ફેન્સીંગ કરી અનઅધિકૃત કબજો કરી પોતાના અંગત ઉપયોગમાં લઈ સરકારી જમીન પચાવી પાડવામાં આવી હતી. જેથી દીક્ષિત પીપળીયા વિરુદ્ધ જમીન મહેસુલ કાયદાની કલમ 61 હેઠળ કાર્યવાહી હાથ ધરી રૂબરૂ સાંભળવા નોટીસ ફટકારવામાં આવી હતી. બાદમાં દીક્ષિત પીપળીયાને સાંભળી તેમના વિરુદ્ધ પેશકદમીનો કેસ ચલાવવામાં આવ્યો હતો. જેમાં દીક્ષિત પીપળીયાએ સરકારી ખરાબામાં ગેરકાયદે દબાણ કર્યાનું સાબિત થતા રૂ.1500 નો દંડ ફટકારી દબાણવાળી જમીન સ્વખર્ચે ખુલ્લી કરવા હુકમ કરવામાં આવ્યો હતો. બાદમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


મામલતદારએ વધુમાં જણાવ્યું હતું કે, દબાણ દૂર કર્યા બાદ દીક્ષિત પીપળીયાએ ફરીવાર સરકારી જમીનમાં કોઈ પરવાનગી વિના આશરે 300 ચોરસ મીટર જમીનમાં પાકી દિવાલનું ફેન્સીંગ કરી ફરીવાર અનઅધિકૃત કબજો જમાવી દીધો હતો. જેથી તા.14-08-20 25 ના રોજ ફરીવાર દીક્ષિત પીપળીયાને નોટિસ ફટકારી સાત દિવસમાં દબાણ ખુલ્લુ કરવા જણાવવામાં આવ્યું હતું. પરંતુ તેણે દબાણ દૂર નહીં કરતા વહીવટી તંત્રએ સૂઓમોટો એન્ટી લેન્ડ ગ્રેબિંગ એક હેઠળ કાર્યવાહી કરવા દરખાસ્ત કરી હતી. જે દરખાસ્તને નાયબ કલેકટર દ્વારા મંજૂરી મળતા દીક્ષિત પીપળીયા વિરુદ્ધ એન્ટી લેન્ડ ગ્રેબિંગ એક્ટની કલમો હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application