પરિણીતાના પતિ સાથે દુકાને ઉઘાર બાબતે માથાકૂટ થયાનો ખાર રાખી ગાળો આપી માર માર્યો: બચાવવા આવેલા મહિલાના મામાના પુત્રના બાઇકમાં પાઇપના ઘા માર્યા
વીંછિયાના ભડલી ગામે પરિણીતાને ગામમાં જ રહેતા શખસે પાઇપ વડે બેફામ માર માર્યો હતો. પરિણીતાનો મામાનો પુત્ર બચાવવા વચ્ચે પડતા તેના બાઈકમાં પાઇપના ઘા ફટકારી તોડફોડ કરી હતી. જે અંગે જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
વીંછિયાના ભડલી ગામે રહેતા કાજલબેન વિશાલભાઈ ડાભી (ઉ.વ.22) દ્વારા જસદણ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગામમાં જ રહેતા સંજય રાઘવભાઈ મકવાણાનું નામ આપ્યું છે. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે અહીં પતિ અને સાસુ-સસરા તથા એક દીકરી સાથે રહે છે પતિ વિશાલને ગામમાં પાનની દુકાન છે.
ગઈકાલે સાંજના છ વાગ્યે આસપાસ પરિણીતા ઘરની બહાર ઉભી હતી ત્યારે સંજય અહીંથી નીકળ્યો હતો અને તેને અગાઉ તેણીના પતિ સાથે દુકાને ઉધાર આપવા બાબતે માથાકૂટ થઈ ગઈ જેનો ખાર રાખી ગાળો આપવા લાગ્યો હતો. ગાળો આપવાની ના કહેતા તેની પાસે રહેલ લોખંડના પાઇપના ત્રણ ઘા પરિણીતાને ફટકારી દેતા પરિણીતાએ બુમાબુમ કરી મૂકી હતી. દરમિયાન પરિણીતાનો મામાનો પુત્ર પ્રકાશ જાદવ અહીંથી નીકળતા તે વચ્ચે પડ્યો હતો. જેથી સંજય તેને પણ ગાળો આપવા લાગ્યો હતો બાદમાં તેણે પ્રકાશના બાઈકમાં પાઇપના ઘા ફટકારી તોડફોડ કરી હતી. દરમિયાન પરિણીતાના પતિ અને અન્ય લોકો અહીં આવી જતા સંજયને પકડી તેના ઘરે લઈ ગયા હતા. હુમલામાં મહિલાને ઇજા પહોંચી હોય તેને સારવાર માટે જસદણ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી બાદમાં તેણે આ અંગે ફરિયાદ નોંધાવી છે.
પરિણીતાએ ફરિયાદમાં બનાવના કારણ અંગે જણાવ્યું હતું કે, સંજય સાથે તેણીના પતિને અગાઉ દુકાને ઉધાર ના પૈસા બાબતે માથાકૂટ થઈ હોય જેનો ખાર રાખી તેને માર માર્યો હતો. તેમ જ તેના મામાના પુત્ર પ્રકાશના બાઈકમાં તોડફોડ કરી હતી. જે અંગે પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી છે.