BREAKING NEWS

જામનગર: લાલપુરના પોલીસ કર્મચારીને પુત્રવધુનો સ્ત્રીધનનો કરીયાવર પરત આપવા હુકમ

  • July 24, 2026 05:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: લાલપુરના પોલીસ કર્મચારીને પુત્રવધુનો સ્ત્રીધનનો કરીયાવર પરત આપવા હુકમ

અરજદાર જશવંતી ઉર્ફે જાહનવી હમીરભાઈ પરમાર રહે. હનુમાન ટેકરી, જામનગર વાળીના લગ્ન લાલપુર મુકામે રહેતા કાનાભાઈ દેવાભાઈ ગોહિલ પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઈ. તરીકે ફરજ બજાવે છે. તેના મોટાપુત્ર ધર્મેન્દ્ર કાનાભાઈ ગોહીલ સાથે તેઓની જ્ઞાતીના રીતી-રીવાજ મુજબ લગ્ન થયેલ હતા, ત્યારબાદ અરજદારને તેડીને અમદાવાદ મુકામે કાયમી રહેવા ગયેલા હતા, ત્યાં અરજદારને સામાવાળાઓ કાનાભાઈ દેવાભાઈ ગોહીલ, ધર્મેન્દ્ર કાનાભાઈ ગોહીલ, કંચનબેન ઉર્ફે ગોમતી કાનાભાઈ ગોહીલ, જયેન્દ્ર કાનાભાઈ ગોહીલ ઓછું કરીયાવર લાવેલ છો, તે બાબતે આડું-અવડું બોલતા અને શારીરીક, માનસીક દુ:ખત્રાસ આપતા હતા. અને અરજદારને બધા સામાવાળાઓએ એકસંપ કરી મોઢા પર તમાચા મારેલ અને ઢિકા-ધુંબા મારવા લાગેલ તેમજ અરજદારના સાસુએ તેણીને પાછળથી પીઠમાં ધુંબા-ધુસ્તા મારેલ, અને મુંઢ માર મારેલ, અને અરજદારનો તમામ સ્ત્રીધનનો માલ-સામાન સામાવાળાઓએ ઝુંટવી લઈ પહેરેલ કપડે કાઢી મુકેલ હતી.

જેથી અરજદારે જી.જી. હોસ્પીટલમાં સારવાર કરાવેલ, અને સામાવાળાઓ વિરૂધ્ધ જામનગર મહીલા પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ મુજબ ફરિયાદ કરેલ હતી, જે ફરીયાદ કોર્ટમાં કેસ ચાલેલ હતો. તેમજ સામાવાળાઓ વિરૂધ્ધ અરજદારે જામનગરના ચીફ જયુડી. મેજી. જજની કોર્ટમાં ડોમેસ્ટીક વાયોલેન્સ એકટ મુજબ વળતર મેળવવા અરજી કરેલ હતી, જે અરજીમાં અરજદારને સામાવાળાઓ સાથે ઘરમેળે સમાધાન થયેલ, અને અરજદારને ધર્મેન્દ્ર સાથે લગ્ન વિચ્છેદ યાને છુટાછેડા થયેલા, અને તે છુટાછેડા થયા બાદ એવું નકકી કરેલ હતું કે ફોજદારી કેસ તથા ડોમે. વાયો. એકટના કેસો પરત ખેંચી લઈએ ત્યારે કાયમી ભરણ-પોષણની રકમ તથા સ્ત્રીધનનો માલ-સામાન આપી દઈશું, તે ભરોસે અરજદારે આ બન્ને કેસો સમાધાનથી પરત ખેંચી લીધેલ, અને ત્યારબાદ લાલ બંગલા સર્કલમાં સામાવાળાઓ અરજદારનો સ્ત્રીધનનો માલ-સામાન છોટાહાથીમાં લાવેલ હતા, તે લેવા ગયેલ ત્યારે આ કામના સામાવાળાઓ ખુબજ ઉશ્કેરાઈ ગયેલા, અને ભુંડી ગાળો બોલવા લાગેલા, અને તેઓની સાથે આવેલ તેના માણસો પણ ભુંડી ગાળો બોલી જગડો કરવા લાગેલ, અને સામાવાળાઓએ અરજદાર તથા તેણીના માતા-પિતા અને ભાઈઓ ઉપર જીવલેણ હુમલો ન્યાય મંદિર સામે લાલ બંગલા સર્કલમાં કરેલ, અને છુટાછેડામાં લખ્યા મુજબનો અરજદારનો સ્ત્રીધનનો માલ-સામાન પરત આપેલ નહીં અને પાછો લઈ ગયેલ. 
​​​​​​​
જેથી અરજદારની માતાએ સામાવાળાઓ વિરૂધ્ધ મારકુટ અંગેની સીટી એ. ડીવી. પો.સ્ટે.માં ફરીયાદ કરેલ હતી, અને જામનગર ચીફ કોર્ટમાં ડી.વી. એકટ મુજબ સ્ત્રીધનનો માલ-સામાન પરત મળવા અરજી કરેલ હતી, જે અરજી નીચેની કોર્ટમાં ચાલી જત્તા અરજદારને સાંભળ્યા વગર રદ કરેલ હતી, જેથી અરજદારે નારાજ થઈ જામનગરના ત્રીજા એડી. સેશન્સ જજ આર.વી. મંડાણીની કોર્ટમાં દાખલ કરેલ જે અપીલ સેશન્સ કોર્ટમાં ચાલી જત્તા અરજદારની તરફેણમાં હુકમ કરવામાં આવેલ અને અરજદારનો સ્ત્રીધનનો માલ-સામાન લાલપુર રહેતા એએસઆઈ કાનાભાઈ દેવાભાઈ ગોહીલ પાસે રહેલ છે, તેઓએ બે અઠવાડીયામાં પરત સોંપી દેવાનો રહેશે, અને બે અઠવાડીયામાં આ માલ-સામાન પરત આપી શકે નહીં તો માલ-સામાનના રૂ.૫૦,૦૦૦ તથા અરજી ખર્ચના રૂ.પ,૦૦૦ ત્રીજા અઠવાડીયામાં ચુકવી આપવા તેવો હુકમ કરેલ છે, અને અરજદાર પીડીતાને ન્યાય આપેલ છે.આ કામમાં આરોપી તરફે એડવોકેટ પરબત વી. મકવાણા,પૂનમ જી. ચૌહાણ, ટ્રેઈની ઉર્વીશા એમ. લીંબાસીયા તથા ટ્રેઈની વિશાલ પી. મકવાણા રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application