↵જામનગરમાં આરટીઇ પોર્ટલમાં ધાંધિયાની ફરિયાદો, ફોર્મ ભરવાના બે દી બાકી.!
ધસારો: શહેર-જિલ્લામાં ખાનગી શાળામાં ધો.૧ માં નિ:શુલ્ક પ્રવેશ મેળવવા ૧૯૦૩ બેઠક માટે અત્યાર સુધીમાં ૨૧૭૦થી વધુ ફોર્મ ભરાયા ૧૭ એપ્રિલના ફોર્મ ભરવાનો છેલ્લો દીવસ: પોર્ટલ ગોકળગાયની ગતિએ ચાલતા એક ફોર્મ ભરવામાં અડધા કલાકથી વધુ સમય થતાં વાલીઓમાં દેકારો
વાર્ષિક પરીક્ષા દરમ્યાન શિક્ષકોને આરટીઇના ફોર્મ ચકાસણીની કામગીરીથી અનેક સવાલ :
જામનગર શહેર-જિલ્લામાં આરટીઇના પ્રવેશ ફોર્મની તપાસણીની કાર્યવાહી ચાલી રહી છે. આ કામગીરીમાં શિક્ષકોને રોકવામાં આવ્યા છે. અત્યારે સ્કૂલમાં વાર્ષિક પરીક્ષા ચાલી રહી છે. આથી આરટીઇની કામગીરીમાં રોકાયેલા શિક્ષકોના પરીક્ષા સુપરવિઝન, પેપર તપાસણી, પરિણામની કામગીરી તેની અવેજીમાં કોણ કરે તે સવાલ ઉઠયા છે. હાલ સરકારી શાળામાં અભ્યાસ કરતાં વિધાર્થીઓનાં ભોગે ખાનગી શાળા માટે વિધાર્થીઓના પ્રવેશ કરાવવાની કામગીરી થઈ રહી તેવી ચર્ચા પણ જોરશોરથી શિક્ષણ જગતમાં ચાલી રહી છે. જેના કારણે શિક્ષણ તંત્ર ખાનગીકરણ ને પ્રોત્સાહન આપતું હોવાનું ચિત્ર ઉપસ્યું છે. વાર્ષિક પરીક્ષા સમયે શિક્ષકોને આરટીઇના ફોર્મ ચકાસણીની કામગીરીમાં રોકવાથી શાળામાં મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે. ત્યારે આ કામગીરીમાં રોકાયેલ શિક્ષકોની પરીક્ષા ફરજ માટે શું આયોજન કરેલ છે અને આ શિક્ષકોના પરીક્ષા ફરજ આયોજન માટે પત્ર કરવામાં આવ્યો છે કે કેમ ? તે સવાલ પણ ઉઠ્યો છે.
જામનગરમાં ખાનગી શાળામાં ધો.૧ માં વિનામૂલ્યે ફોર્મ ભરવાના આરટીઇ પોર્ટલમાં ધાંધિયાની ફરિયાદો ઉઠી છે. ફોર્મ ભરવાના બે દીવસ બાકી છે. શહેર-જિલ્લામાં ખાનગી શાળાઓમાં ધો.૧ માં વિનામૂલ્યે પ્રવેશ મેળવવા ધસારાથી ૧૯૦૩ બેઠક માટે અત્યાર સુધીમાં ૨૧૭૦થી વધુ ફોર્મ ભરાયા છે. ૧૭ એપ્રિલના ફોર્મ ભરવાનો અંતિમ દીવસ છે. પોર્ટલ ગોકળગાયની ગતિએ ચાલતા એક ફોર્મ ભરવામાં અડધા કલાકથી વધુ સમય થતાં વાલીઓમાં દેકારો બોલી ગયો છે.
રાજયની સાથે જામનગરમાં આરટીઇ એટલે કે રાઇટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ડ ફરજીયાત એજયુકેશન એકટ-૨૦૦૯ અન્વયે નબળા અને વંચિત જૂથના બાળકોને ખાનગી શાળામાં વિનામૂલ્યે ધો.૧ માં પ્રવેશની પ્રક્રીયા અંતર્ગત ફોર્મ ભરવાનું તા.૪ એપ્રિલથી શરૂ થયું છે. આરટીઇ અંતર્ગત ધો.૧માં પ્રવેશ મેળવવા માટે વાલીએ rte.orggujarat.com પોર્ટલ પર ફોર્મ ભરવાનું રહે છે. ફોર્મની સાથે જરૂરી આધાર-પુરાવા પણ ઓનલાઇન અપલોડ કરવાના રહે છે. જેમાં જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ-કેટેગરીનો દાખલો, આવકનો દાખલો, ઇન્કમટેકસ રીર્ટન, આઇટી રીર્ટન ન ભર્યું હોય તો તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડીકલેરેશન સહીતના અસલ આધારનો સમાવેશ થાય છે.
અત્રે નોંધનીય છે કે, આરટીઇ હેઠળ પ્રવેશમાં અનાથ બાળકો, સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક, બાલગૃહના બાળક, બાળ મજૂશ્ર, સ્થળાંતરીત મજૂરના બાળકો, મંદબુઘ્ધિ, સેરેબલ પાલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરીયાતવાળા બાળકો, શારીરીક રીતે વિકલાંગ તથા તમામ દિવ્યાંગ બાળકો, એઆરટીની સારવાર લેતા બાળકો, ફરજ દરમ્યાન શહીદ થયેલા લશ્કરી, અર્ધલશ્કરી અને પોલીસદળના જવાનના બાળકો, જે માતા-પિતાને એક જ સંતાન હોય અને તે માત્ર દીકરી હોય તે દીકરી, ૦ થી ૨૦ આંક ધરાવતા તમામ કેટેગરીના બીપીએલ કુંટબના બાળકો, અનુસૂચિત જાતિ અને અનુસુચિત જનજાતિ કેટેગરીના બાળકો, સામાજીક અને શૈક્ષણીક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે નબળા વર્ગના બાળકો, રાજય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો, સામાન્ય કેટેગરીના બાળકોને નિયમોનુસાર અગ્રતાક્રમ મળશે.
વર્ષ ૨૦૨૬-૨૭માં જામનગર શહેરમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરી હસ્તકની ૧૨૦ ખાનગી શાળાઓમાં આરટીઇની ૮૦૮ બેઠક માટે ૯ એપ્રિલ સુધીમાં ૧૨૦૦ ફોર્મ ભરાયા હતાં. જયારે જિલ્લા પંચાયત હસ્તકની ૨૧૩ ખાનગી શાળામાં આરટીઇની ૧૦૯૫ બેઠક માટે ૯ એપ્રિલ સુધીમાં ૯૭૦ ફોર્મ ભરાયા હોવાનું નોંધાયું છે. ખાનગી શાળાઓમાં ધો.૧ માં આરટીઇ હેઠળ નિ:શુલ્ક પ્રવેશ મેળવવા વાલીઓનો ભારે ધસારો છે. આ સ્થિતિમાં આરટીઇના ઓનલાઇન ફોર્મ ભરવાના પોર્ટલમાં ધાંધિયાની ફરિયાદો જોરશોરથી ઉઠી છે. પોર્ટલ ગોકળગાયની ગતિએ ચાલતા એક ફોર્મ ભરવામાં અડધો કલાકથી વધુ સમય જતો હોવાથી વાલીઓમાં ભારે દેકારો બોલી ગયો છે. ખાસ કરીને હવે ફોર્મ ભરવાના બે દીવસ બાકી છે. એટલે કે ૧૭ એપ્રિલના ફોર્મ ભરવાનો અંતિમ દીવસ છે. ત્યારે પોર્ટલમાં ધાંધિયાથી વાલીઓ ફોર્મ ભરવા માટે રઝળપાટ કરી રહ્યા છે. ખાનગી શાળાઓમાં ધો.૧માં વિનામૂલ્યે પ્રવેશ માટે વાલીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે ત્યારે શહેર-જિલ્લામાં આરટીઇની કુલ ૧૯૦૩ બેઠક પર કેટલા ફોર્મ ભરાય છે તે જોવાનું રહ્યું.