દ્વારકામાં આદ્ય શંકરાચાર્યજીની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી
પાદુકા પૂજન, ધ્વજારોહણ, ભજન, કીર્તન સહિતના કાર્યક્રમો યોજાયા
દેવભૂમિ દ્વારકા ખાતે આવેલ શારદાપીઠ શંકરાચાર્ય મઠ ખાતે સનાતન ધર્મના પ્રણેતા અને અદ્વૈત વેદાંતના મહાન પ્રચારક આદ્ય શંકરાચાર્યજીની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય અને આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગઈકાલે સવારે ૧૦ વાગ્યે શરૂ થયેલી આ ઉજવણીમાં ભક્તિ અને શ્રદ્ધાનો અદભૂત માહોલ જોવા મળ્યો હતો.
કાર્યક્રમની શરૂઆત શારદાપીઠ ખાતે આદ્ય શંકરાચાર્યજીની પાદુકાનું વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિપૂર્વક પૂજન કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ દ્વારકાધીશ મંદિરના શિખર પર ધ્વજા સમગ્ર વાતાવરણ મંત્રોચ્ચાર, ભજન અને આધ્યાત્મિક ઉર્જાથી ગુંજી ઉઠ્યું હતું, જે ભક્તોને અનોખી શાંતિ અને ભક્તિનો અનુભવ કરાવતું હતું.
દ્વારકા યાત્રાધામમાં જગતમંદિર સંલગ્ન આવેલ શારદાપીઠમાં સનાતન ધર્મના પ્રચારક એવા ભગવતપાદ આદ્ય શંકરાચાર્યજીની જન્મ જયંતીની શારદાપીઠના વર્તમાન શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજના માર્ગદર્શન તથા નારાયણાનંદ બ્રહમચારીજીના નેજા હેઠળ ભકિતભાવપૂર્વક ઊજવવામાં આવી હતી. આ પ્રસંગે શારદાપીઠ શંકરાચાર્ય મઠ, દ્વારકામાં આવેલ ગુરૂગાદી ખાતે ભગવાન આદ્ય શંકરાચાર્યજીની પાદૂકાનું પૂજન તથા ભગવાન શ્રી દ્વારકાધીશજીના ઉન્નત શિખર પર નૂતન ધ્વજાજીનું આરોહણ કરવામાંઆવ્યું હતું.
પ્રસંગ દરમિયાન બ્રહ્મચારી નારાયણનંદજીએ આદ્ય શંકરાચાર્યજીના જીવનચરિત્ર પર પ્રકાશ પાડતા જણાવ્યું કે તેમની શિક્ષાઓ આજે માનવજીવન માટે માર્ગદર્શક છે. તેમણે ભક્તોને સંદેશ આપ્યો કે આધ્યાત્મિક મૂલ્યો અપનાવી જીવનને શુદ્ધ, સદાચારી અને કર્તવ્યનિષ્ઠ બનાવવું જોઈએ. આ પ્રસંગે સંતોના આશિર્વાદ સહ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં બહોળી સંખ્યામાં સંતો-મહંતો, સામાજીક અગ્રણીઓ તથા શહેરના નામાંકિત અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનીય ભાવિકો ઉપસ્થિત રહયા હતા.