દ્વારકામાં પ્રેમભિક્ષુજી મહારાજની ૫૬ મી પુણ્યતિથિની ઉજવણી
સંકીર્તન મંદિરે ગુરુપૂજન,શોભાયાત્રા, મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા: મોટી સંખ્યામાં રામભક્તો જોડાયા
દ્વારકા ખાતે આવેલ સંકિર્તન મંદિરે સદગુરુદેવ શ્રી પ્રેમભિક્ષુજી મહારાજની ૫૬ મી પુણ્યતિથિ ચૈત્ર વદ પંચમીના પવિત્ર દિવસે ભારે ભક્તિભાવ અને ધાર્મિક ઉલ્લાસ સાથે ઉજવાઈ હતી.
સાંજે બ્રહ્મલીન સમયને અનુસરી આરતી બાદ ભવ્ય નગરકીર્તન (શોભાયાત્રા)નું આયોજન કરવામાં આવ્યું હતું. -સંકિર્તન મંદિરથી શરૂ થયેલી આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો -પર ફરીને પુન: મંદિરે આવી પૂર્ણ થઈ હતી.જેમાં મંદિરના પૂજારી ભાનુભાઈ મીન પરિવાર તેમજ ટ્રસ્ટીગણ ઉપસ્થિત રહ્યા હતા.
શોભાયાત્રામાં રામભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા અને અનેક ભક્તોએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખીને આ ધાર્મિક પ્રસંગમાં સહભાગીતા નોંધાવી હતી.
દરમિયાન દ્વારકા શહેરમાં ભક્તિમય માહોલ છવાયો રહ્યો. હતો. સર્વત્ર શ્રી રામના નામનો નાદે આધ્યાત્મિકતા અને શ્રદ્ધાનો અનોખો માહોલ સર્જાયો હતો. આધ્યાત્મિક આ પવિત્ર વિધિઓએ સમગ્ર વાતાવરણને ઉર્જાથી પરિપૂર્ણ બનાવી દીધું હતું. મધ્યાહ્ન સમયે ઉત્સવ આરતી અને ગુરુ પૂજન બાદ બપોરે ૧૨.૩૦ વાગ્યે બ્રહ્મપુરી નં.૧ ખાતે ગુરુ પ્રસાદી (ગુગળી)નું આયોજન કરવામાં આવ્યું હતું.
છેલ્લા લગભગ સત્તાવન વર્ષથી દ્વારકાની પવિત્ર ધરા પર રામનામની અખંડ જ્યોત પ્રગટાવનાર પ્રેમભિક્ષુજી મહારાજના સ્મરણમાં યોજાયેલ આ મહોત્સવે શહેરના ભક્તજનોમાં વિશેષ ઉમંગ જોવા મળ્યો હતો. પ્રાત:કાળે સંકિર્તન મંદિર ખાતે સમુદ્ર પૂજન તથા અભિષેક પૂજનના કાર્યક્રમો યોજાયા હતા. વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે જગતમંદિરના પૂજારીના હસ્તે સમુદ્ર પૂજન કરવામાં આવ્યું હતું.