દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોકશાહીના પર્વની ઉજવણી - સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ૨૦૨૬ માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ મતદાન મથકો પર યોગ્ય પોલીસ બંદોબસ્ત અને જરૂરી સુવિધાઓ સાથે મતદાનનો પ્રારંભ
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અન્વયે આજે ૨૬ એપ્રિલ, રવિવારના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સવારથી જ લોકશાહીના પર્વનો શાંતિપૂર્ણ અને ઉત્સાહવર્ધક વાતાવરણમાં પ્રારંભ થયો છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી રાજેશ તન્નાની દેખરેખ હેઠળ સમગ્ર જિલ્લામાં મતદાન પ્રક્રિયા સુચારુ રીતે પૂર્ણ થાય તે માટે તમામ પૂર્વતૈયારીઓ કરવામાં આવી છે. મતદાન મથકો પર વરિષ્ઠ નાગરિકો, યુવા અને મહિલાઓ, પુરુષોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા દિવ્યાંગ મતદારો અને વૃદ્ધો માટે વ્હીલચેર તેમજ અન્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે, જેથી તેઓ કોઈપણ અડચણ વગર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે.
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે સમગ્ર જિલ્લામાં પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ યોગ્ય સલામતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સંવેદનશીલ મતદાન મથકો સહિત મતદાન મથકો પર સીસીટીવી કેમેરા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કાર્યરત કન્ટ્રોલ રૂમ પણ કાર્યરત છે.
લોકશાહીના આ મહાપર્વમાં દેવભૂમિદ્વારકા જિલ્લાના તમામ મતદારો નિર્ભય થઈને અને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. મતદાન પ્રક્રિયા સાંજના ૬ વાગ્યા સુધી ચાલશે.
ઉલ્લેખનીય છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત અને તેના હેઠળ આવતી ખંભાળિયા, ભાણવડ, દ્વારકા, કલ્યાણપુર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી ૨૦૨૬ તથા ખંભાળિયા નગરપાલિકા અને જામ રાવલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ૨૦૨૬ તેમજ સલાયા નગરપાલિકાના વોર્ડ નં.૦૩ની પેટા ચૂંટણી ૨૦૨૬ અંતર્ગત મતદાન યોજાઈ રહ્યું છે. તા.૨૮/૦૪/૨૦૨૬ના રોજ મતગણતરી થનાર છે.