BREAKING NEWS

દ્વારકા-આરંભડા પંથકમાં ફરી ગેરકાયદે દબાણો પર આજથી બુલડોઝર

  • April 30, 2026 11:44 AM 

દ્વારકા-આરંભડા પંથકમાં ફરી ગેરકાયદે દબાણો પર આજથી બુલડોઝર


આજથી ત્રિદિવસીય મેગા ડિમોલિશનનો પ્રારંભ: પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ત્રણ સ્થળો પર ઓપરેશન


યાત્રાધામ દ્વારકા જિલ્લામાં છેલ્લા વીસ વર્ષોમાં થયેલા વિકાસના કામોને લીધે દિનપ્રતિદિન ભાવીકોની સાથોસાથ સહેલાણીઓનો પ્રવાહ વધી રહ્યો છે ત્યારે બીજી તરફ તમામ ભાવિકો, સહેલાણીઓ પાસેથી કમાઈ લેવાના હેતુસર વગવાળા લોકો દ્વારા ગેરકાયદે સરકારી જમીનો પર તેમજ ધાર્મિક સ્થળો પર બેફામ અનધિકૃત બાંધકામ કરવામાં આવ્યા છે. આ સરકારી જમીનો પર બાંધકામ કરનારા સામે કડક પગલાં ભરવા તંત્ર સજ્જ બન્યું છે.


દેવભૂમિ દ્વારકા જિલ્લાના તટવર્તીય વિસ્તારો અને મુખ્ય માર્ગો પર ખડકાયેલા અનધિકૃત ધાર્મિક દબાણોને દૂર કરવા માટે વહીવટી તંત્ર દ્વારા આજથી ફરી એકવાર મક્કમ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. રાજ્યના ગૃહ વિભાગની માર્ગદર્શિકા અને સુરક્ષાના કારણોસર હાથ ધરવામાં આવેલી આ મેગા ડિમોલિશન ઝુંબેશ આગામી ત્રણ દિવસ સુધી ચાલશે. આજે સવારથી જ દ્વારકા અને આરંભડા વિસ્તારમાં વહીવટી અધિકારીઓ અને પોલીસ કાફલાની હાજરીમાં બુલડોઝર ગરજતા થયા છે.


આજે પ્રાંત અધિકારી અમોલ આવટેના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા ગેરકાયદે ખડકાયેલા દબાણો પર બુલ્ડોઝર ફળી વળ્યું છે, દ્વારકા નગરપાલિકા વિસ્તારમાં આવેલ સરર્વે નં.૩૨ માં અંદાજીત ૨૩૨ ચો.મી. જેટલું ધાર્મિક દબાણ કે જેની કિંમત ૪૦.૬૦ લાખ જેટલી થાય છે, તેનું ડીમોલીશન કરવામાં આવ્યું છે તેમજ સરવે નં.૩૪માં આવેલ ૩૦૦ ચો.મી. જેટલી જગ્યામાં ખડકાયેલ ધાર્મિક દબાણ કે જેની કિંમત અંદાજીત ૫૨.૫૦ લાખ જેટલી થાય છે, તે તમામ દબાણો આજે તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે તોડી પાડવામાં આવશે.


દ્વારકા જિલ્લો વિશાળ દરિયાકાંઠો ધરાવતો અને સંવેદનશીલ સરહદી વિસ્તાર હોવાથી, અહીં થતા અનધિકૃત બાંધકામો રાષ્ટ્રીય સુરક્ષા માટે પડકારરૂપ બની શકે છે. કેન્દ્ર અને રાજ્યના ગૃહ મંત્રાલયની સૂચના મુજબ, દરિયાઈ પટ્ટી પરના દબાણો હટાવવાને પ્રાથમિકતા અપાઈ રહી છે. આ કાર્યવાહી કરતા પહેલા વહીવટી તંત્રએ કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરી હતી, જેમાં આશરે આઠ જેટલા દબાણોને ત્રણ મહિનામાં ત્રણ વખત નોટિસ આપવામાં આવી હતી અને સંબંધિત પક્ષોને સાંભળવા માટે લોકસુનાવણી પણ યોજવામાં આવી હતી.


અગાઉ પણ તંત્ર દ્વારા ૨૧ નિર્જન ટાપુઓ પૈકી ૭ ટાપુઓને સંપૂર્ણપણે દબાણમુક્ત કરવામાં આવ્યા હતા, જેમાં ખારાચુસણા અને મીઠા ચુસણા ટાપુઓ પરના ૧૫ જેટલા ગેરકાયદે ધાર્મિક બાંધકામોનો સમાવેશ થતો હતો. વર્ષ ૨૦૨૬માં ફરી એકવાર શરૂ થયેલી આ ઝુંબેશમાં હવે મુખ્ય માર્ગો અને વસતી ધરાવતા વિસ્તારોમાં આવેલા દબાણો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે જાહેર હિત અને સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં અને કાયદેસરની આ કાર્યવાહી સતત ચાલુ રહેશે.

​​​​​​​

પ્રાંત અધિકારી અમોલ આવટેના જણાવ્યા અનુસાર, દ્વારકા અને આરંભડા પંથકમાં ગેરકાયદે રીતે ઉભા કરાયેલા ત્રણ જેટલા દબાણોને હટાવવાની કામગીરી આજે બપોરે ૧૧ વાગ્યાથી શરૂ કરી દેવામાં આવી છે. આજે લગભગ ૫૩૦ ચો.મી. જેટલી જગ્યા પર ખડકાયેલ ગેરકાયદે ધાર્મિક સ્થળોનું ડીમોલીશન કરવામાં આવશે, જેની કિંમત અંદાજીત ૯૩ લાખ જેટલી થાય છે તેમજ  કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડીવાયએસપી સાગર રાઠોડના નેતૃત્વ હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. વહીવટી તંત્રના આ કડક વલણને પગલે દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application