દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચુંટણી અનુસંધાને ચાર કે તેથી વધુ વ્યક્તિએ એકત્ર થવા ઉપર પ્રતિબંધ
સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય સરઘસ કાઢવા પર પ્રતિબંધિત જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું
દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત અને તેના હેઠળ આવતી ખંભાળિયા, ભાણવડ, દ્વારકા અને કલ્યાણપુર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી ૨૦૨૬ તથા ખંભાળિયા નગરપાલિકા અને જામ રાવલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ૨૦૨૬ તેમજ સલાયા નગરપાલિકાના વોર્ડ નં.૩ની પેટા ચૂંટણી ૨૦૨૬ અંતર્ગત મતદાન તા.૨૬/૦૪/૨૦૨૬ના રોજ યોજાનાર છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આ ચૂંટણી યોજવા અંગેની જાહેરાત તા.૦૧/૦૪/૨૦૨૬ના રોજ કરવામાં આવી છે. આ તારીખથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યના એકમ હેઠળના વિસ્તારોમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવેલ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૂંટણી હેઠળના વિસ્તારમાં ચૂંટણી દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને કોઇ અનિચ્છનિય બનાવ બનવા ન પામે તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિમય વાતાવરણમાં થાય અને કોઇ વિક્ષેપો ઉભા ન થાય તે માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ-૨૦૨૬ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે દેવભૂમિ દ્વારકા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી, દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત અને તેના હેઠળ આવતી ખંભાળિયા, ભાણવડ, દ્વારકા અને કલ્યાણપુર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી ૨૦૨૬ તથા ખંભાળિયા નગરપાલિકા અને જામ રાવલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ૨૦૨૬ તેમજ સલાયા નગરપાલિકાના વોર્ડ નં.૩ની પેટા ચૂંટણી ૨૦૨૬ની સમગ્ર વિસ્તારમાં તા.૩૦/૦૪/૨૦૨૬ સુધી અધિકૃત અને સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કરતા વધારે વ્યકિતઓએ એકત્રિત થવુ નહી અથવા કોઇ સભા કે સરઘસ કાઢવું નહી.
આ જાહેરનામાથી ફરજ ઉપર ઓય તેવી ગૃહરક્ષક દળની વ્યકિત, લગ્નના વરઘોડા, સરકારી ફરજ પરના અધિકારી/ કર્મચારી તથા સ્મશાન યાત્રાને આ પ્રતિબંધાત્મક આદેશો લાગુ પડશે નહી. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.