જામનગરમાં યુવાનની હત્યાનો પ્રયાસ
લોઠીયા ગામમાં ડીજેની લાઇટ ચાલુ રાખવા જેવી સામાન્ય બાબતમાં હુમલો કર્યો
જામનગરના ન્યુ ૮૦ ફુટ રોડ વીયાના પાર્કમાં રહેતા મજુરી કરતા કપિલ વલ્લભભાઇ બાહુકીયા (ઉ.વ.૩૫) નામના યુવાનને ગત તા. ૧૮-૩-૨૬ના રોજ આરોપી જયેન્દ્ર સાથે લોઠીયા ગામ ખાતે ડીજેની લાઇટ ચાલુ રાખવા બાબતે બોલાચાલી-ઝગડો થયો હતો. જે વાતનો ખાર રાખી કપિલ ગઇ રાત્રીના જામનગરના ખંભાળીયા ગેઇટથી આગળ આર્યસમાજ સામેના રોડ પર જતો હતો ત્યારે આરોપીઓ મોટરસાયકલમાં તેની પાછળ ગયા હતા.
કપિલ ચાલુ મોટરસાયકલે આરોપી જયેન્દ્રએ પાઇપ વડે હુમલો કરી ફરીયાદીની માથાની પાછળ ઘા ઝીંકી દેતા તે નીચે પડી ગયો હતો તુરંત બીજો ઘા માર્યો હતો ઉપરાંત આરોપી અનુએ કોઇતાનો એક જીવલેણ ઘા માથાના ભાગે ઝીંકી દીધો હતો અને બે અજાણ્યા ઇસમોએ લોખંડના બોલ વડે નરાના ભાગે અને એક શખ્સે છરીનો ઘા હાથમાં ઝીંકી દીધો હતો.
ચારેય આરોપીઓએ ફરીયાદીને અપશબ્દો બોલી ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મારી નાખવાના ઇરાદે તીક્ષણ હથિયાર વડે માથા, હાથ-પગમાં નાની મોટી ઇજાઓ પહોચાડી નાશી ગયા હતા. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો કપિલ બાહુકીયા દ્વારા સીટી-એ ડીવીઝનમાં જયેન્દ્ર ઉર્ફે ઢીંગો માનસુરીયા, અનુ ઉર્ફે લાલો માનસુરીયા તથા બે અજાણ્યા ઇસમો વિરુઘ્ધ બીએનએસ કલમ ૧૦૯(૧), ૧૧૮(૨), ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩), ૫૪ તથા જીપીએકટ ૧૩૫(૧) મુજબ ફરીયાદ નોંધાવી હતી જેની તપાસ પીઆઇ ચાવડા અને સ્ટાફ ચલાવી રહયા છે.