જામનગર: મુંગણી ગામે મિલકતના વિવાદમાં યુવાન પર જીવલેણ હુમલો
કુટુંબીઓ દ્વારા ભાલા, પાઇપ, લાકડી વડે આડેધડ માર માર્યો: ઇજાગ્રસ્ત આઇસીયુમાં દાખલ: ત્રણ સામે ફરીયાદ થતા તપાસ
જામનગર તાલુકાના મુંગણી ગામમાં મિલકતના વિવાદને લઈને માથાકુટ થઇ હતી, જેમાં એક યુવાન પર તીક્ષણ હથીયાર પાઇપ, લાકડી વડે હુમલો કરીને જીવલેણ ઇજા પહોચાડવામાં આવતા સારવારમાં ખસેડવામાં આવેલ છે અને આ અંગે ૩ સામે સિકકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરવામાં આવ છે.
જામનગર તાલુકાના મુંગણી ગામ ગાગવા રોડ ખાતે રહેતા તેજલબા કિરીટસિંહ કંચવા (ઉ.વ.૩૬)એ ગઇકાલે સિકકા પોલીસ સ્ટેશનમાં મુંગણી ગામ પરબ પાસે રહેતા મહિપતસિંહ રણજીતસિંહ કંચવા તથા વર્ષાબા મહિપતસિંહ કંચવા અને જયવીરસિંહ મહિપતસિંહ કંચવાની વિરુઘ્ધ બીએનએસ કલમ ૧૦૯(૧), ૧૧૫(૨), ૩૫૨, ૫૪ તથા જીપીએકટ ૧૩૫(૧) મુજબ ફરીયાદ નોંધાવી હતી.
ફરીયાદની વિગત અનુસાર ફરીયાદી તથા તેમના પતિને આરોપીઓ અવાર નવાર ઘર ખાલી કરી બીજે તેનાથી દુર રહેવા જવા માટે દબાણ કરી બોલાચાલી અને ઝઘડો, માથાકુટ કરતા હોય તેમજ દુકાન બાબતનો પણ ખાર હોય દરમ્યાનમાં તા. ૧૪ સાંજના સુમારે ફરીયાદી તથા તેમના પતિ ઇજા પામનાર ઘરે હતા ત્યારે આરોપી અપશબ્દો બોલતો હતો અને આરોપી મહિપતસિંહે ત્યાં આવી જેમતેમ બોલતા ઇજા પામનાર તેમને સમજાવવા માટે ઘરની બહાર નીકળતા ભાલા જેવા તીક્ષણ હથીયાર સાથે ઘસી આવી તેમજ વર્ષાબા પાઇપ લઇને આવી અને જયદીપસિંહ લાકડી સાથે આવીને કિરીટસિંહ સમજાવવા જતા આરોપીઓએ ઉશ્કેરાઇને આજે તને જીવતો રહેવા દેવો નથી તેમ કહીને તેમની પાસે રહેલા હથીયારોથી હુમલો કર્યો હતો.
માથા, પેટના ભાગે ગંભીર ઇજા પહોચાડી હતી અને લાકડી વડે શરીરે આડેધડ માર માર્યો હતો લોહીલુહાણ હાલતમાં ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા જયાં તાકીદે ઓપરેશન બાદ આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. આમ ઉપરોકત આરોપીઓને હથીયારો સાથે આવી એકબીજાને મદદગારી કરી હતી, ફરીયાદના આધારે સિકકાના પીઆઇ ડી.બી. પટેલ તપાસ ચલાવી રહયા છે.