કચ્છી માડુઓના પાવન અને મંગલમય એવા કચ્છી નવા વર્ષ એટલે કે અષાઢી બીજના તહેવાર પર જ કચ્છની ધરતી ભૂકંપના બે તીવ્ર આંચકાથી ધણધણી ઉઠી છે. પર્વના માહોલ વચ્ચે માત્ર ત્રણ મિનિટના ટૂંકા ગાળામાં એક પછી એક બે ભૂકંપના આંચકા અનુભવાતા સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ વ્યાપી ગયો હતો. તહેવારની ઉજવણી કરી રહેલા લોકો ધરતીકંપના આંચકા અનુભવાતા જ તાત્કાલિક સુરક્ષા માટે પોતાના ઘરો અને ઓફિસોની બહાર ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા.
ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) ના સત્તાવાર અહેવાલ અનુસાર, કચ્છ રીજીયનમાં બપોરના સમયે આ ભૂકંપના આંચકા નોંધાયા હતા. જેમાં પ્રથમ આંચકો બપોરે ૨:૨૦ વાગ્યે અનુભવાયો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૩.૬ ની માપવામાં આવી હતી. આ આંચકો શમ્યો ન હતો ત્યાં જ તેના બરાબર ત્રણ મિનિટ બાદ એટલે કે બપોરે ૨:૨૩ વાગ્યે બીજો આંચકો આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૩.૨ ની નોંધાઈ હતી. એકસાથે આવેલા બે આંચકાના કારણે વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું હતું.
ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા મુજબ, આ બંને આંચકાના કેન્દ્રબિંદુ (એપીસેન્ટર) કચ્છના જુદા-જુદા વિસ્તારોમાં નોંધાયા હતા. બપોરે ૨:૨૦ વાગ્યે આવેલા ૩.૬ ની તીવ્રતાના પ્રથમ ભૂકંપનું કેન્દ્રબિંદુ કચ્છના ખાવડાથી અંદાજે ૩૨ કિલોમીટર દૂર નોંધાયું હતું. જ્યારે ૨:૨૩ વાગ્યે આવેલા ૩.૨ ની તીવ્રતાના બીજા ભૂકંપનું કેન્દ્રબિંદુ ઐતિહાસિક અને પ્રવાસી મથક એવા ધોળાવીરાથી ૩૨ કિલોમીટર દૂર નોંધાયું હતું. રાહતની વાત એ છે કે આ આંચકા મધ્યમ તીવ્રતાના હોવાથી જિલ્લામાં કોઈ જાનહાનિ કે મોટી નાણાકીય નુકસાનીના અહેવાલ હજુ સુધી સામે આવ્યા નથી, પરંતુ નવા વર્ષના દિવસે જ આવેલા આંચકાએ ૨૦૦૧ ના વિનાશક ભૂકંપની યાદો તાજી કરાવી દીધી હતી.