પાવન પર્વ અષાઢી બીજ અને રથયાત્રાના મંગલમય અવસરે ગાંધીનગરના અડાલજ ખાતે આસ્થા અને ભક્તિભાવપૂર્વક ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાઈ હતી. અડાલજ સ્થિત શ્રી જગન્નાથ કલ્ચરલ એકેડમી એન્ડ રિસર્ચ સેન્ટર, ઓરિસ્સા દ્વારા આયોજિત આ રથયાત્રામાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પૂર્વ રાજ્યસભા સાંસદ નરહરિ અમીનની ગરિમામય અધ્યક્ષતા રહી હતી. આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલ અને ધારાસભ્ય અમિતભાઈ ઠાકરની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી. રથયાત્રાના પ્રારંભ પૂર્વે પરંપરા અનુસાર સોનાની સાવરણીથી ભગવાનના પથને સાફ કરવાની અત્યંત પવિત્ર વિધિ એટલે કે 'છેરા પહરા' કરવામાં આવી હતી, જે બાદ મહાનુભાવો દ્વારા ભગવાન જગન્નાથના રથનું ભાવભેર પ્રસ્થાન કરાવાયું હતું.
જગન્નાથ મંદિરથી ભક્તિમય માહોલમાં શરૂ થયેલી આ રથયાત્રા હરિનામ સંકીર્તન અને જય જગન્નાથના નાદ સાથે અન્નપૂર્ણા મંદિર, અડાલજ ખાતે પહોંચી હતી. જ્યાં અન્નપૂર્ણાધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને અધ્યક્ષ નરહરિ અમીન દ્વારા ભગવાનના રથનું ભાવભીનું સ્વાગત કરી દિવ્ય દર્શન કરવામાં આવ્યા હતા. આ મહોત્સવ દરમિયાન દર્શનાર્થે ઉમટી પડેલા અંદાજિત ૧૫૦૦થી વધુ ભક્તજનો માટે અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટ અને શ્રી સ્વામિનારાયણ મંદિર, અડાલજ દ્વારા પરંપરાગત ખીચડી અને છાશના ભંડારા (પ્રસાદ) નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેનો તમામ ભક્તોએ લાભ લીધો હતો.
આ પાવન અવસરને સફળ બનાવવા માટે અનેક અગ્રણીઓએ પોતાની હાજરી આપી શોભા વધારી હતી. જેમાં જગન્નાથ મંદિરના ચેરમેન મહેશ્વર સાહુ, જેસીએઆરસીની વ્યવસ્થાપન સમિતિના સભ્યો, ટ્રસ્ટીઓ તેમજ ઓરિસ્સા સમુદાયના અગ્રણીઓ જોડાયા હતા. આ ઉપરાંત, જનસહાયક ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી વરૂણ અમીન, શ્રી અન્નપૂર્ણાધામ ટ્રસ્ટ અડાલજના ચેરમેન રવજીભાઈ વસાણી, હિમાંશુભાઈ પટેલ, અજીતભાઈ પટેલ, પ્રગ્નેશભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, મંત્રી ઉરેનભાઈ પટેલ, મધુભાઈ વસાણી તેમજ અન્ય આમંત્રિત ટ્રસ્ટીઓ અને વિશાળ સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહીને ધન્યતા અનુભવી હતી.