જામનગર: ખીમરાણા ગામમાં ૭ લાખના દારૂ સહિત ૧૧ લાખનો મુદામાલ કબ્જે
એક શખ્સ સામે ફરજ રૂકાવટ અને બોટલો લુંટવાની કોશિષ કર્યાની ફરીયાદ : પોલીસે પીછો કરતા ચાલક કાર મુકી રફુચકકર
જામનગર નજીક ખીમરાણા ગામે એક બાતમીના આધારે પોલીસે કારનો પીછો કર્યો હતો દરમ્યાન ચાલક પુરઝડપે કાર ચલાવી દિવાલ સાથે અથડાવીને રફુચકકર થઇ ગયો હતો, કારની તલાશી લેતા તેમાથી ૭ લાખનો ઇંગ્લીશ દારૂ મળી આવ્યો હતો, દરમ્યાન પોલીસની કાર્યવાહીમાં અડચણ ઉભી કરી બોટલો લુંટવાની કોશિષ કર્યાની ગામમાં રહેતા શખ્સ સામે ફરીયાદ દાખલ કરવામાં આવતા ભારે ચકચાર વ્યાપી છે.
જામનગર એસપી ડો. સૈની તથા ગ્રામ્ય ડિવાયએસપી પિયુષ વાંદાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દારુ-જુગારના કેસ શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતો દરમ્યાન પંચ-એ પીઆઇ એમ.એન. શેખની સુચના મુજબ સ્ટાફ નાઇટ પેટ્રોલીંગમાં હતો એ વખતે પીએસઆઇ એ.આર. પરમાર, એએસઆઇ નિર્મળસિંહ જાડેજા, હેડ કોન્સ ચેતનભાઇ, કોન્સ હરદેવસિંહ, કમલેશભાઇ, સંદીપભાઇને સંયુકત બાતમી મળેલ કે ઇનોવા કાર નં. જીજે૧૦બીજી-૩૨૩૪માં ઇંગ્લીશ દારૂનો જથ્થો લઇને ફલ્લા તરફથી શખ્સ આવી રહયાો છે.
આથી ખીજડીયા બાયપાસ તરફ કાર જવાની હોય જે અનુસંધાને પોલીસ સ્ટાફ વોચમાં હતો કાર આવતી જોઇ ખાનગી આડસ ઉભી કરી કાર રોકવાનો પ્રયાસ કર્યો હતો જો કે ચાલક ફુલ સ્પીડમાં ચલાવીને નાશી ગયો હતો પોલીસે પીછો કરતા ખીમરાણા સરકારી શાળાની પાછળના રસ્તે દિવાલ સાથે કાર અથડાઇ જતા કાર મુકીને ચાલક નાશી ગયો હતો. પોલીસે કારની જડતી કરતા તેમાથી ઇંગ્લીશ દારૂના અલગ અલગ બ્રાન્ડના ૪૭૦૪ ચપલા કિ. ૭ લાખ અને ૪ લાખની કાર મળી કુલ ૧૧.૦૫,૬૦૦નો મુદામાલ જપ્ત કર્યો હતો. નાશી ગયેલા શખ્સ સામે ફરીયાદ કરવામાં આવી છે.
બીજી બાજુ એએસઆઇ નિર્મળસિંહ તથા સ્ટાફ પોતાની કાયદેસરની ફરજના ભાગરૂપે પકડેલ ઇંગ્લીશ દારૂની બોટલોવાળી કારમાં જપ્ત કાર્યવાહી કરી રહયા હતા ત્યારે આ કાર્યવાહીમાં ખીમરાણા ગામમાં રહેતા દેવરાજ દિનેશ ગોહિલ નામના શખ્સે અડચણ કરી હતી અને કારમાંથી દારૂની બોટલો લુંટવાની કોશિષ કરતા ફરીયાદીએ આરોપીને પકડતા આરોપી ફરીયાદી છાતીના ભાગે કોણી મારી મુંઢ ઇજા પહોચાડી હતી. આથી નિર્મળસિંહ દ્વારા પંચ-એમાં દેવરાજ ગોહિલ સામે બીએનએસ ૨૦૨૩ની કલમ ૧૨૧ (૧), ૩૦૯(૬) મુજબ ફરીયાદ નોંધાવી આગળની કાર્યવાહી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ખીમરાણા ગામમાં કારમાથી દારૂ પકડાયાનો એક વિડીયો સોશ્યલ મિડીયા પર વાયરલ થયો હતો.