રાજકોટમાં બે સંતાનોની માતા પ્રેમિકાએ લગ્નની ના પાડતા યુવકે ફાંસો ખાઈ જીવ દીધો
રાજકોટમાં બે સંતાનોની માતા પ્રેમિકાએ લગ્નની ના પાડતા યુવકે ફાંસો ખાઈ જીવ દીધો
July 06, 2026 03:37 PM
રાજકોટ શહેરના નવા થોરાળામાં રહેતા યુવકે આજે સવારે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી પ્રસરી જવા પામી છે, યુવક અગાઉ આટકોટ રહેતો હોય ત્યારે બે સંતાનોની માતા સાથે આંખ મળી જતા પ્રેમ પાંગર્યો હતો હવે પરિણીતા લગ્નની ના પાડતી હોવાથી પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.
બનાવની મળતી વિગત મુજબ મૂળ ધોરાજીનો અને હાલ નવા થોરાળાના રામનગર-5માં રહેતો ફિરોઝ કાદરભાઈ દાંતાણી (ઉ.વ.28)ના યુવકે આજે સવારે નવેક વાગ્યે ઘરે પતરાના એંગલમાં ઓછાડ બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. સ્વજન જોઈ જતા નીચે ઉતારી બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી. આપઘાત કરનાર ફિરોઝ એક ભાઈ બહેનમાં મોટો અને અપરણિત હતો. અને થોરાળા નાકે ફ્રૂટની રેંકડી રાખી વેપાર કરતો હતો. અગાઉ આટકોટમાં રહેતો હતો ત્યારે પડોશી બે સંતાનોની માતા સાથે પ્રેમ સંબંધ બંધાઈ જતા લગ્ન કરવાની વાત થઇ હતી. પરંતુ પ્રેમિકાના પતિને બંનેના સબંધની જાણ થઇ જતા મારકૂટ કરવાથી પ્રેમિકાએ અંતે લગ્ન કરવાની ના પાડી દેતા આ વાતનું લાગી આવવાથી પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. વધુ તપાસ થોરાળા પોલીસે હાથ ધરી છે. યુવકના મોતથી પરિવારમાં માતમ છવાયો છે.